HALVAD:હળવદના સાપકડામાં ગામે વાડીએ થાંભલા ખોડવા બાબતે સમજાવવા ગયેલા આધેડ પર ધોકા વડે હુમલો




HALVAD:હળવદના સાપકડામાં ગામે વાડીએ થાંભલા ખોડવા બાબતે સમજાવવા ગયેલા આધેડ પર ધોકા વડે હુમલો

હળવદ: તાલુકાના સાપકડા ગામની સીમમાં વાડીમાં પશુઓ ન ઘૂસી જાય તે માટે લાકડાના થાંભલા ખોડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે એક શખ્સે ફરિયાદીને લાકડાના ધોકા વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સાપકડા ગામના રહેવાસી ઘનશ્યામભાઈ પરષોતમભાઈ મકવાણાએ હળવદ પોલીસ મથકે આરોપી મનસુખ ઉર્ફે મુના કાનજીભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ, ફરિયાદીના ભાઈ અને ભત્રીજો પોતાની વાડીમાં રખડતા ઢોર (રેઢીયાર પશુઓ) ન આવે તે માટે રક્ષણ રૂપે લાકડાના થાંભલા ખોડી રહ્યા હતા. આ દરમિયાન આરોપી મનસુખે ત્યાં આવીને આ થાંભલા કાઢી નાખવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફરિયાદી ઘનશ્યામભાઈ તેને આ બાબતે સમજાવવા ગયા ત્યારે આરોપી એકાએક ઉશ્કેરાઈ ગયો હતો.આરોપીએ ફરિયાદીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઘનશ્યામભાઈએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે આરોપીએ પિત્તો ગુમાવ્યો હતો અને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે ઘનશ્યામભાઈના માથામાં જોરદાર ફટકો મારી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીને માથાના ભાગે લોહીલુહાણ ઈજાઓ થઈ હતી. વધુમાં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.હળવદ પોલીસે ઘનશ્યામભાઈની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



