MORBI:મોરબીના વોર્ડ નં. ૬ માં પીવાના પાણીમાં ગટરની દુર્ગંધ: રોગચાળાના ભયે રહીશોમાં ભારે રોષ

MORBI:મોરબીના વોર્ડ નં. ૬ માં પીવાના પાણીમાં ગટરની દુર્ગંધ: રોગચાળાના ભયે રહીશોમાં ભારે રોષ
તંત્રની બેદરકારી સામે સામાજિક કાર્યકરો અને લતાવાસીઓએ કલેક્ટર અને કમિશનરને પાઠવી ઉગ્ર અરજી; આંદોલનની ચીમકી
મોરબી શહેરના વોર્ડ નં. ૬ ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટર જેવી ભયાનક દુર્ગંધ આવતી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ બાબતે સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
વોર્ડ નં. ૬ માં આવેલી ગૌરાંગ શેરી, પારેખ શેરી, નાની પારેખ શેરી, ઘંટીયાપા, સુથાર શેરી, લક્ષ્મીનારાયણ શેરી, રાધે શ્યામ શેરી, નાની બજાર, બક્ષી શેરી, સામક શેરી, વોરાવાળ શેરી અને ખોખાણી શેરી જેવા વિસ્તારોમાં પીવાનું પાણી અત્યંત દૂષિત આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર:
પાણીમાં ગટર જેવી તીવ્ર દુર્ગંધ આવે છે, જે વાપરવા કે પીવા લાયક નથી.દૂષિત પાણીને કારણે નાના બાળકો અને વૃદ્ધોમાં ગંભીર બીમારીઓ ફેલાવવાનો ભય છે.અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા અને રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, “તંત્રની આ ઘોર બેદરકારી રહીશોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. જો દૂષિત પાણીના કારણે કોઈ નાગરિકના આરોગ્યને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે.”
રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે કમિશનર જાતે સ્થળ તપાસ કરે અને પાણી તથા ગટરની લાઈનમાં રહેલા ભંગાણને તાત્કાલિક રીપેર કરાવી શુદ્ધ પાણીની વ્યવસ્થા કરે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો વોર્ડ નં. ૬ ના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.











