ભરૂચમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી: બે પંપ પર સપ્લાય ખૂટતા ગભરાટ, સંચાલકે શાંતિ જાળવવા અપીલ કરી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર અને જિલ્લામાં આજે અચાનક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળતા હડકંપ મચી ગયો હતો. યુદ્ધના કારણે ઇંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા પંપો પર ઉમટી પડ્યા હતા.
ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનોને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભર બપોરના તાપમાં પણ લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી ઇંધણ ભરાવતા જોવા મળ્યા હતા. ઇંધણ ખૂટી જવાની ભીતિ લોકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી રહી હતી.
આ સમગ્ર મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી. માત્ર શહેરના બે પેટ્રોલ પંપ પર સપ્લાય ખૂટતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે વધુ ઇંધણ ભરાવવા દોડાદોડ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ પેટ્રોલ અથવા ડીઝલ ભરાવે. જેથી સાચી જરૂરિયાત ધરાવતા લોકોને સરળતાથી ઇંધણ મળી શકે અને અનાવશ્યક ભીડ ટાળી શકાય.
હાલ તંત્ર પણ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.




