MORBI મોરબી આર્યતેજ નર્સિંગ કોલેજ ખાતે ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

MORBI મોરબી આર્યતેજ નર્સિંગ કોલેજ ખાતે ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજ રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે *પીએચસી ભરતનગર તથા આયુષ્માન આરોગ્ય મંદિર, લક્ષ્મીનગર* દ્વારા આર્યતેજ નર્સિંગ કોલેજ ખાતે ક્ષયરોગ (ટીબી) જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણો, બચાવ, સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર અંગે માહિતી આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન સમજાવવામાં આવ્યું કે ટીબી એક ચેપજન્ય રોગ હોવા છતાં સંપૂર્ણપણે સારવાર થઈ શકે અને નિયંત્રિત થઈ શકતો રોગ છે. ટીબીના સામાન્ય લક્ષણો જેમ કે બે અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ઉધરસ રહેવી, તાવ આવવો, વજન ઘટવું, ભૂખ ન લાગવી, રાત્રે પરસેવો આવવો અને નબળાઈ અનુભવવી વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.
ઉપસ્થિતોને એ બાબતથી પણ અવગત કરવામાં આવ્યા કે સરકાર દ્વારા રાષ્ટ્રીય ક્ષયરોગ ઉન્મૂલન કાર્યક્રમ (NTEP) હેઠળ ટીબી માટે મફત તપાસ અને મફત સારવાર ઉપલબ્ધ છે. સમયસર તપાસ કરાવી અને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવો અત્યંત જરૂરી છે, જેથી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે અને સમાજમાં ચેપનો ફેલાવો અટકાવી શકાય.કાર્યક્રમમાં *“ટીબી મુક્ત ભારત”* ના સંકલ્પને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓને સમાજમાં જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આર્યતેજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી મિત્રો તથા સ્ટાફે કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમ પીએચસી ભરતનગર તથા આયુષ્માન આરોગ્ય મંદિર, લક્ષ્મીનગરના માર્ગદર્શન અને સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.











