MORBI:મોરબી પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ: એ-ડિવિઝનમાં જનસંપર્ક સભા અને લોન મેળાનું આયોજન

MORBI:મોરબી પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ: એ-ડિવિઝનમાં જનસંપર્ક સભા અને લોન મેળાનું આયોજન
મોરબી જિલ્લામાં વ્યાજખોરોના વધતા જતાં દૂષણને ડામવા અને પઠાણી ઉઘરાણીથી કંટાળેલા નાગરિકોને રાહત અપાવવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજે એ-ડિવિઝન પોલીસ મથક ખાતે જનસંપર્ક સભા અને લોન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મોરબી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ, ડીવાયએસપી જે.એમ. આલ અને સમીર સારડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને મુક્ત કરાવવાનો અને તેમને સરકારી તથા બેંકિંગ લોનની સુવિધા પૂરી પાડવાનો હતો.
વિવિધ બેંકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે જરૂરિયાતમંદ નાગરિકોને સરળતાથી લોન કેવી રીતે મેળવવી તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં નાગરિકોની હાજરી મોટી સંખ્યામાં હતી, પરંતુ તેની સરખામણીએ માત્ર 7 થી 8 અરજીઓ જ વ્યાજખોરો સામે મળી હતી, જે પોલીસ તંત્ર માટે પણ આશ્ચર્યજનક રહી હતી. પોલીસવડા મુકેશ પટેલે જણાવ્યું હતું કે મળેલી અરજીઓ પર ત્વરિત ગુના દાખલ કરવામાં આવશે અને જરૂર જણાયે વ્યાજખોરો વિરુદ્ધ ‘પાસા’ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.
મુદ્દામાલ પરત: આ તકે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોના ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ પરત સોંપવામાં આવ્યો હતો.”મોરબીના નાગરિકોએ વ્યાજખોરોના ત્રાસથી ડરવાની જરૂર નથી. ભયમુક્ત બની પોલીસ મથકે ફરિયાદ કરો, પોલીસ તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છે.”— મુકેશ પટેલ, જિલ્લા પોલીસવડા (મોરબી) મોરબી પોલીસની આ પહેલથી સામાન્ય જનતામાં જાગૃતિ આવશે અને મજબૂરીનો ફાયદો ઉઠાવતા વ્યાજખોરો પર લગામ લાગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.












