BHARUCHGUJARATNETRANG

ગેસ સંકટમાં પણ અડીખમ ધંધો: પંખા સગડીથી જીવન ચલાવતા નેત્રંગના સોમાભાઈ

નેત્રંગ હાટ બજારમાં પરંપરાગત રીતથી રોજીરોટી કમાતા પરિવારના સંઘર્ષની કહાની

બ્રિજેશ પટેલ, ભરૂચ

 

નેત્રંગ નગરમાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો પ્રભાવ સ્થાનિક જીવન પર પણ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલ-અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે. જેના પરિણામે ગેસ પર આધારિત રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા અને નાનાં ખાણીપીણીના વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણી જગ્યાએ તો વેપારીઓને પોતાનો ધંધો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી રહી છે.

 

આ પરિસ્થિતિમાં નેત્રંગના ગાંધીબજાર વિસ્તારમાં તુલસી ફળિયામાં વસવાટ કરતા સોમાભાઈ રડતીયાભાઈ વસાવા અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. વર્ષોથી તેઓ પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને પંખા સગડી વડે ચા અને ગરમા ગરમ નાસ્તો બનાવે છે. દર મંગળવારે ભરાતા હાટ બજારમાં તેઓ પોતાના સ્ટોલ પર ગ્રાહકોને સેવાઓ આપે છે.

ગેસની અછત વચ્ચે પણ સોમાભાઈનો વ્યવસાય અડીખમ રહ્યો છે. પંખા સગડીના ઉપયોગથી તેઓ અન્ય વેપારીઓ કરતાં ઓછી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમના આ પ્રયાસો માત્ર તેમના પરિવાર માટે રોજીરોટી પૂરાં પાડે છે, પરંતુ પરંપરાગત સાધનોની મહત્ત્વતા પણ દર્શાવે છે.

 

સ્થાનિક લોકોમાં પણ સોમાભાઈના નાસ્તા માટે ખાસ માંગ છે. આ રીતે તેઓ મુશ્કેલ સમયમાં પણ હિંમત અને મહેનતથી જીવન નિર્વાહ કરી રહ્યા છે, જે અન્ય વેપારીઓ માટે પ્રેરણારૂપ બની

રહ્યું છે.

Back to top button
error: Content is protected !!