
નર્મદા : નર્મદા પરિક્રમા દરમિયાન બોટમાં લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત નહીં પહેરે તો થશે દંડ
લાઇફ જેકેટ નહીં પહેનાર વ્યક્તિ પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦૦ અને નાવડીના ઇજારદાર દ્વારા લાઇફ જેકેટ બાબતે ચુક થશે તો તેની પાસેથી રૂપિયા ૫૦૦ દંડ પેટે વસુલાત કરાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રામાનો ગત તા.19 માર્ચથી પ્રાંરભ થયો છે. જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના આન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવી માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા-સલામતી માટે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈ અંતર્ગત ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમ્યાન પરિક્રમાર્થીઓને નદી પાર કરવા બાબતે કેટલીક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ નાવડીમાં બેસનાર તમામ પેસેન્જરે ફરજિયાત લાઇફ જેકેટ પહેરવાનું રહેશે. લાઇફ જેકેટ નહીં પહેનાર વ્યક્તિ પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવશે. જો નાવડીના ઇજારદાર દ્વારા લાઇફ જેકેટ બાબતે ચુક થશે તો ઇજારદાર પાસેથી રૂપિયા ૫૦૦ દંડ પેટે વસુલાત કરવામાં આવશે.
આ જાહેરનામા અન્વયે, જરૂરી બોર્ડ/બેનર લગાડવાની કામગીરી સંબંધિત ઇજારદારએ કરવાની રહેશે. પેસેન્જર પાસેથી દંડ વસુલવાની કામગીરી પોલીસ વિભાગે કરવાની રહેશે. ઇજારદાર પાસેથી સપ્રમાણ દંડ વસુલવાની કામગીરી કાર્યપાલક ઈજનેર, પંચાયત (મા.મ.) વિભાગ, રાજપીપળાએ કરવાની રહેશે.




