BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં ઈંધણની અછતની અફવા ફગાવતા જિલ્લા પુરવઠા અધિકારી, પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી

​સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી આધારવિહોણી અફવાઓના પગલે ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિને ધ્યાને લેતા છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એન. એફ. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડીલરો અને ગેસ એજન્સીના સંચાલકો સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી.
​આ બેઠકમાં જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર હાલ ઉપલબ્ધ પેટ્રોલ-ડીઝલના જથ્થા તેમજ આગામી દિવસોમાં મળનાર પુરવઠા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાંધણ ગેસ (LPG) ના ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના વિતરણ અને ઉપલબ્ધતા અંગેની પણ ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીલરો સાથેની ચર્ચાના અંતે સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ કે ગેસના જથ્થાની કોઈ જ અછત નથી. પુરવઠો નિયમિત અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
​જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એન. એફ. વસાવાએ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ખોટા સમાચાર કે અફવાઓથી ગભરાઈને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવી. જિલ્લામાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જનતાએ માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવો.” નાગરિકોને શાંતિ જાળવવા અને પાયાવિહોણી વાતોમાં ન આવવા શ્રી વસાવાએ અપીલ કરી હતી

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!