નવસારી શહેરનું હ્રદય ગણાતું શરબતીયા તળાવ રૂ.૭.૮૦ કરોડના ખર્ચે નવસારી મનપા દ્વારા રિ-ડેવલોપમેન્ટ કામગીરી હાથ ધરાઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી શહેરના નાગરિકોને એક નવું અને આધુનિક હરવા-ફરવાનું સ્થળ પૂરી પાડવાના ઉમદા હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ સ્થિત ઐતિહાસિક ‘શરબતીયા તળાવ (નવીનીકરણ) ની ભવ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની મધ્યમાં આવેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજિત 3. ૭.૮૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રારંભિક તબક્કે ૧૫% જેટલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તળાવના માળખામાં ઘણા નોંધપાત્ર સુધારા જોવા મળશે. 
“આ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં મુલાકાતીઓની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેમાં સ્વાદિષ્ટ વાનગીઓ માટે ફૂડ કોર્ટ અને રિફ્રેશમેન્ટ કિયોસ્ક, બાળકોના મનોરંજન માટે ખાસ કિડ્સ પ્લે એરિયા અને એમ્યુઝમેન્ટ પાર્ક, તથા શાંતિથી બેસવા માટે હરિયાળી લૉન અને સિટિંગ ક્લસ્ટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વાસ્થ્યપ્રેમીઓ માટે પહોળો વૉકિંગ પ્રોમેનેડ બનાવવામાં આવશે. નાગરિકોની પ્રાથમિક સુવિધા અને સુરક્ષા સુનિટિયેત કરવા માટે આકર્ષક પ્રવેશદ્વાર, પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા, સમગ્ર પરિસરમાં CCTV સર્વેલન્સ, તેમજ દિવ્યાંગો અને વૃદ્ધો આસાનીથી હરી-ફરી શકે તે માટે સંપૂર્ણ પરિસરને યુનિવર્સલી એક્સેસિબલ (Universally Accessible) ડિઝાઇન કરવામાં આવ્યું छे.”
જાહેર જનતાની સુવિધા અને શહેરની ટ્રાફિક સમસ્યાઓના કાયમી નિવારણ માટે પણ આ પ્રોજેક્ટમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ તળાવની આસપાસ થતી ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે ફૂડ શૉપ અને ખાણીપીણીના સ્ટોલ્સનું તળાવની બહારની હદમાં વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ભવ્ય અને સુરક્ષિત પ્રવેશદ્વાર બનાવવામાં આવી રહ્યો છે, જેથી બાળકો અને વડીલો શાંતિથી ગાર્ડન અને તળાવના કિનારે પોતાનો સમય વિતાવી શકે.
આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા 03 નવેમ્બર ૨૦૨૬ (03-૧૧-૨૦૨૬) સુધીની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ થતા નવસારીના નાગરિકોને રજાના દિવસોમાં પરિવાર સાથે આનંદ માણવા માટે એક શ્રેષ્ઠ નજરાણું મળશે. શરબતીયા તળાવનું આ નવું અને આકર્ષક સ્વરૂપ નવસારી શહેરની સુંદરતામાં અને નાગરિકોની સુખાકારીમાં ચોક્કસથી વધારો કરશે.




