
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર – સોમપુર ગામે પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છતા અભિયાન યોજાયું
માલપુર: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સોમપુર ગામે “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા પ્રાકૃતિક કૃષિ ટીમ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો
આ અભિયાનનો મુખ્ય હેતુ ગામમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ગામની પીવાના પાણીની ટાંકી આસપાસનો વિસ્તાર તેમજ જાહેર માર્ગો પરથી પ્લાસ્ટિકનો કચરો, કોથળીઓ અને અન્ય ગંદકી એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રાકૃતિક કૃષિ ટીમના સ્ટાર પ્રચારક ભાવેશકુમાર કે. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં શલેન્દ્રસિંહ જાડેજા, વિનોદભાઈ, જસુભાઈ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું.ગ્રામજનોએ આ અભિયાનને સારું પ્રતિસાદ આપ્યો હતો અને ભવિષ્યમાં પણ ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવાનો સંકલ્પ કર્યો હતો. આ અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સામૂહિક જવાબદારીનો સારો સંદેશ આપવામાં આવ્યો હતો.સ્વચ્છ ગામ – સુંદર ગામનો સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.





