અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘નેશનલ STEM ક્વિઝ 4.0’નો ભવ્ય ગ્રાન્ડ ફિનાલે, દેશભરના વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનનો મુકાબલો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના સાયન્સ સિટી ખાતે Gujarat Council on Science and Technology (GUJCOST) દ્વારા આયોજિત ‘નેશનલ STEM ક્વિઝ 4.0 – ધ જર્ની ઓફ અ ન્યૂ જનરેશન’નો ગ્રાન્ડ ફિનાલે ભવ્ય આયોજન સાથે સંપન્ન થયો હતો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિજેતાઓને કુલ રૂ. 2 કરોડના ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
યુવા પેઢીમાં વૈજ્ઞાનિક વિચારધારા, નવીનતા અને સંશોધન પ્રત્યે રસ વધે તે હેતુસર ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત GUJCOST દ્વારા દર વર્ષે આ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલી ચોથી આવૃત્તિએ વિશાળ પ્રતિસાદ મેળવ્યો હતો. દેશના વિવિધ રાજ્યો અને શૈક્ષણિક બોર્ડમાંથી કુલ 15,01,249 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જે આ સ્પર્ધાની લોકપ્રિયતા અને પ્રભાવને દર્શાવે છે.
પ્રિલિમિનરી અને ઝોનલ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાંથી કુલ 1078 વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચ્યા હતા. તેમાં 918 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી અને 160 વિદ્યાર્થીઓ દેશના અન્ય રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા. અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન, તર્કશક્તિ અને વૈજ્ઞાનિક સમજણનો રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો.
ગ્રાન્ડ ફિનાલેનું સંચાલન જાણીતા ક્વિઝ માસ્ટર ગીરી બાલાસુબ્રહ્મયમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર કાર્યક્રમને જીવંત અને રોમાંચક બનાવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતીના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા અને સંશોધન માટે પ્રેરણા આપી હતી.
આ સ્પર્ધાના વિજેતાઓને નાણાંકીય ઇનામો ઉપરાંત દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ જેવી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) તેમજ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)-ISRO જેવી સંસ્થાઓની મુલાકાત લેવાની વિશેષ તક પણ મળશે. આ મુલાકાતો વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી અંગે પ્રાથમિક અનુભવ આપશે અને તેમના ભવિષ્યના કારકિર્દી માટે માર્ગદર્શક સાબિત થશે.
કાર્યક્રમમાં ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. કે. પટેલ, GUJCOSTના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી ડો. નરોત્તમ સાહુ સહિતના અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
આ નેશનલ STEM ક્વિઝ માત્ર સ્પર્ધા નહીં પરંતુ યુવાનોમાં વૈજ્ઞાનિક ચેતના જગાવવાનું એક મહત્વપૂર્ણ મંચ બની રહી છે, જે ભારતને ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.









