GUJARATKHERGAMNAVSARI

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નવરાત્રિ પર્વે વરખેડા રામેશ્વર મહાદેવ મંદિરે ૮૧ કુંડી નવચંડી મહાયજ્ઞ કરાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં નાસિક જિલ્લાના ડીંડોરી તાલુકાના વરખેડા ગામે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નવ- નવકુંડી નવચંડી યજ્ઞ એટલે કે ૮૧ કુંડી મહાયજ્ઞ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં આયોજિત આ યજ્ઞમાં ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાવી હતી.
યજ્ઞની પૂર્વસંધ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાત શિવ પરિવારની મહિલાઓ નાસિક ગોદાવરી નદીના પવિત્ર જળને કળશમાં ભરી નાશિક શહેરના વિવિધ માર્ગો ઉપર પદયાત્રા કરી હતી. આ જળ પ્રગટેશ્વર સેવા સમિતિના પૂર્વ પ્રમુખ સ્વ. દિલીપભાઇ સોનવણેના નિવાસસ્થાનેથી કળશયાત્રા થકી યજ્ઞ સ્થળે લાવવામાં આવ્યું હતું, આ જળનો યજ્ઞ તેમજ નવનિર્માણ પામી રહેલા મંદિરના અભિષેક માટે ઉપયોગ કરાયો હતો. આ અગાઉ યજ્ઞસ્થળે ધજારોહણ કરી દેવી દેવતાઓને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.ધર્માચાર્ય પરભુદાદાએ યજ્ઞમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, યજ્ઞમાં દાન અવશ્ય કરવું જોઈએ, સાચા મનથી નિઃસ્વાર્થ દાન કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે. યજ્ઞ કરવાથી નીચેની ઊર્જા ઉપર આવે છે, જેના થકી પ્રચંડ શક્તિનો સંચાર થાય છે. માતાજી અને રામેશ્વર મહાદેવની કૃપાથી ચૈત્ર નવરાત્રિના પર્વે યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે, જે આપણા સૌનું સૌભાગ્ય છે.યજ્ઞમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કરતા વરખેડાના સરપંચ રાજેન્દ્ર ઉફાડેએ જણાવ્યું હતું કે, શિવ પરિવાર દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે કરેલા પ્રયાસોના કારણે સરકાર દ્વારા ચાર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે, જેના થકી આવનારા દિવસોમાં ભક્તો માટે વધુ સુવિધા ઉપલબ્ધ બનશે.પ્રગટેશ્વર શિવ પરિવાર મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવેએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ધર્માચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ થકી દરેક કાર્યો સરળતાથી વિના વિઘ્ને થઇ રહ્યા હોવાનું જણાવી યજ્ઞના કાર્યમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાત પ્રમુખ બીપીનભાઇ પરમાર અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ તેમણે સોશીયલ મીડીયાના માધ્યમથી સંદેશો પાઠવતાં જણાવ્યું હતું કે, પવિત્ર ચૈત્રી નવરાત્રિના પાવન પર્વે વરખેડા ખાતે ૮૧ કુંડી નવચંડી મહા યજ્ઞ થયો, એ ધરતી ઉપર સ્વ. દિલીપભાઈ સૌનવણેના સ્વપ્ન હતું કે અહીં ભવ્ય મંદિર બને એ વાસ્તવમાં સાક્ષાત થઇ રહ્યું છે. આવનારા સમયમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ધર્મ ધજા લહેરાશે. આ મહાન કાર્યમાં સૌ મહારાષ્ટ્ર પરિવારે તન, મન, ધનથી સેવા કરવાની સાથે આવા ભગીરથ ધાર્મિક કાર્યનુ આયોજન કરવા બદલ ગુજરાત પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.શિવ પરિવારની સલોનીએ રામેશ્વર મહાદેવ તેમજ પિતા વિશે હૃદયસ્પર્શી વક્તવ્ય રજૂ કર્યું હતું.આ યજ્ઞમાં ગુજરાત- મહારાષ્ટ્ર શિવ પરિવારના શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!