રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરતું હવામાન વિભાગ !!!

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો ત્રાસ વધી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અનુસાર આ બદલાવ પાછળ બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમનો પણ મોટો ફાળો છે. આ સિસ્ટમોના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધતા કમોસમી વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જે ખેતી અને સામાન્ય જનજીવન પર અસર કરી શકે છે. આ વચ્ચે મહત્વની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય એટલે ગરમીનો પ્રભાવ યથાવત રહેશે.
કોસ્ટલ વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની આગાહી છે. જેના કારણે દરિયામાં ઉથલપાથલ વધવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. 28 અને 29 માર્ચ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.





