
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પેટા:-હરણી બોટ દુર્ઘટના બાદ પણ કોઈ પાઠ નહી-સાપુતારામાં બોટિંગ સંચાલકો બેફામ, આર્થિક સ્વાર્થ માટે સુરક્ષા ના નિયમો નેવે મૂકી પ્રવાસીઓના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ..
ડાંગ જિલ્લાના આકર્ષક પર્યટન સ્થળ સાપુતારાના સર્પગંગા તળાવમાં ફરી એકવાર ગંભીર બેદરકારીના દૃશ્યો સામે આવતા ચિંતાનો માહોલ ઊભો થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા તાજા વિડિયો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે અહીં સુરક્ષાનાં નિયમો માત્ર કાગળ પર જ છે, સાથે જમીન પર તો બેફામ અવ્યવસ્થા રાજ કરે છે.વિડિયોમાં પ્રવાસીઓ તળાવની વચ્ચે બોટમાં ઉભા રહી સેલ્ફી લેતા, હસતા-મજાક કરતા નજરે પડે છે, તો એક નાનકડું બાળક બોટમાં ડાન્સ કરતુ જોવા મળે છે.આ બધુ એટલુ બેધડક રીતે ચાલે છે કે જાણે કોઈને કોઈ ભય જ નથી! સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્થળ પર કોઈ દેખરેખ, કોઈ માર્ગદર્શન કે કોઈ જવાબદાર વ્યક્તિ નજરે પડતો નથી.આ પહેલી વાર નથી.અગાઉ પણ આવા જ જોખમી દૃશ્યો વાયરલ થયા હતા,પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને બોટ સંચાલકોની મનમાની સામે કોઈ કડક કાર્યવાહી ન થતા હાલત યથાવત છે. પ્રશ્ન એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?વડોદરાના હરણી તળાવમાં બનેલી કરૂણ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને ઝંઝોળી નાખ્યુ હતુ, છતા સાપુતારામાં કોઈ જાગૃતિ કે જવાબદારીનો અણસાર નથી. અહીં બોટિંગ સંચાલકો નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને પ્રવાસીઓ પણ બેફિકર બની જીવ જોખમમાં મૂકી રહ્યા છે.સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ છે.તેઓ સ્પષ્ટ શબ્દોમાં પૂછે છે જો કાલે સર્પગંગા તળાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો એની જવાબદારી કોણ લેશે? તંત્ર કે બોટ સંચાલકો ?સાપુતારા જેવું લોકપ્રિય પર્યટન સ્થળ આજે બેદરકારીનું કેન્દ્ર બની રહ્યું છે, જે પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હવે સમય આવી ગયો છે કે તંત્ર ઊંઘમાંથી જાગે અને કડક પગલા ભરે તેવી માંગ ઉઠી છે.સાપુતારાનાં સર્પગંગા તળાવમાં બોટિંગ દરમિયાન સુરક્ષા નિયમોનું કડક અમલીકરણ થવુ જરૂરી બન્યુ છે.દરેક બોટમાં લાઈફ જૅકેટ ફરજિયાત,સ્થળ પર સતત દેખરેખ અને નિયંત્રણ વ્યવસ્થા હોવી જોઈએ જેમાં બેદરકાર બોટ સંચાલકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી જરૂરી બની છે.જો હવે પણ તંત્ર નહીં જાગે, તો આવનારી દુર્ઘટના માટે તે જ સીધું જવાબદાર ગણાશે એવી ચેતવણી સ્થાનિકોમાંથી ઉઠી રહી છે.






