GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરો બેફામ: ૨.૪૦ લાખ સામે ૭.૬૭ લાખ ચૂકવ્યા છતાં દાગીના-ચેક પરત ન આપ્યા!

 

 

MORBI:મોરબીમાં વ્યાજખોરો બેફામ આતંક: ૨.૪૦ લાખ સામે ૭.૬૭ લાખ ચૂકવ્યા છતાં દાગીના-ચેક પરત ન આપ્યા!

 

મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે વ્યાજખોરીના બે અલગ-અલગ કિસ્સાઓમાં એક દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વ્યાજે લીધેલી રકમ કરતા અનેકગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં મિલકતો અને ચેકો પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.


​કિસ્સો ૧: ૨.૪૦ લાખ સામે ૭.૬૭ લાખ ચૂકવ્યા, છતાં દાગીના-ચેક પરત ન મળ્યા ​મોરબી સબ જેલ સામે રહેતા મહેશભાઈ ભીખાભાઈ પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે ત્રાજપર ટીકે હોટલ નજીક રહેતા ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને તેમના પત્ની પાસેથી ૨.૪૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પેટે મહેશભાઈએ વ્યાજ સહિત કુલ ૭,૬૭,૫૦૦ રૂપિયાની મસમોટી રકમ ચૂકવી દીધી હતી. આમ છતાં, આરોપી દંપતીએ ગીરવે મુકેલા સોનાના દાગીના અને સિક્યોરિટી તરીકે લીધેલા કોરા ચેક પરત આપ્યા ન હતા અને ઉઘરાણી ચાલુ રાખી હતી. મહિલાનું બાઈક પડાવ્યું અને ૫ લાખનું પરાણે લખાણ કરાવ્યું ​બીજા કિસ્સામાં સોનલબેન બાબુભાઈ સોલંકીએ પણ આ જ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સોનલબેને ૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના બદલામાં આરોપીઓએ બળજબરીપૂર્વક ૫ લાખ રૂપિયાનું નોટરી લખાણ કરાવી લીધું હતું. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાનું મોટરસાયકલ પણ બળજબરીપૂર્વક પડાવી લીધું હતું. વ્યાજ સહિતની તમામ રકમ પરત કરી દીધી હોવા છતાં, આરોપીઓ સતત ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
​પોલીસ કાર્યવાહી ​આ બંને ગંભીર ફરિયાદોના આધારે મોરબી એ-ડિવિઝન પોલીસે આરોપી ભાવિન ત્રિવેદી અને તેના પત્ની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં અન્ય કોઈ લોકો આ વ્યાજખોર દંપતીનો શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!