Rajkot: રાજકોટ ખાતેથી દેશભરના એરપોર્ટ પર વિવિધ જનસુવિધાઓનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી રામમોહન નાયડુ કિન્જરાપુ

તા.૨૯/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રીએ એરપોર્ટ ખાતે ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું : ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી : કેફેમાં મુસાફરોને માત્ર રૂ. ૧૦માં ચા અને રૂ. ૨૦માં સમોસા-કચોરી મળી રહેશે
ભારતમાં સિવિલ એવિએશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લા ૧૨ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે
વર્ષ ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે આજે વધીને ૧૬૫થી પણ વધુ થઈ ગયા છે
Rajkot: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ કિન્જરાપુએ આજે દેશભરના ૫૭ એરપોર્ટ પર અત્યાધુનિક જનસુવિધાઓનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ૧૧ ઉડાન યાત્રી કેફે, ૦૮ એરપોર્ટ પર ડીજી યાત્રા (પેપરલેસ એન્ટ્રી સિસ્ટમ), ૫૦ ફ્રી વાઇ-ફાઇ ઝોન, ૧૦ કિડ્સ ઝોન, ૧૬ ફ્લાયબ્રેરીઝ (લાઇબ્રેરી રેક), ૧૧ અવસર આઉટલેટ્સ અને ૦૮ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે દેશના ૫૭ એરપોર્ટના વિકાસ કાર્યોનો પ્રારંભ આપણે રાજકોટની ધરતી પરથી થઈ રહ્યો છે. રાજકોટનો ઇતિહાસ અને સંસ્કૃતિ આપણા સૌ માટે ગૌરવ સમાન છે. ભૌગોલિક ઉપરાંત ગુજરાત માટે આ સ્થળ ઉદ્યોગ ક્ષેત્રે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં સિવિલ એવિએશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લા ૧૨ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આ સકારાત્મક પરિવર્તન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નિર્ણાયક નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશના લોજિસ્ટિક્સને મજબૂત બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેમાં હાઈવે, રેલ્વે, પોર્ટ અને ખાસ કરીને સિવિલ એવિએશન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે આજે વધીને ૧૬૫થી પણ વધુ થઈ ગયા છે. આ આંકડો માત્ર ૧૨ વર્ષમાં બમણાથી પણ વધી ગયો છે. પહેલા એવી માન્યતા હતી કે હવાઈ મુસાફરી માત્ર અમીર લોકો માટે જ છે, પરંતુ વડાપ્રધાનશ્રીએ આ વિચારધારા બદલી નાખી છે. હવાઈ ચપ્પલ પહેરનારો માનવી પણ હવે હવાઈ જહાજમાં ઉડતો થઈ ગયો છે. આજે દેશના દરેક વર્ગના લોકો હવાઈ મુસાફરીનો લાભ લઈ રહ્યા છે. આ સફળતા પાછળ ‘ઉડાન’ (UDAN – Ude Desh ka Aam Nagrik) યોજનાનો મોટો ફાળો રહેલો છે.
છેલ્લા ૧૦ વર્ષમાં આપણા દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. એરલાઇન્સ હવે નાના શહેરોમાં ઓપરેટ કરવા માટે પણ ઉત્સાહિત છે. મુસાફરોની સંખ્યામાં પણ બમણો વધારો થયો છે. અત્યાર સુધીમાં આપણે ૧૬૦ નવા એરપોર્ટ બનાવ્યા છે, પરંતુ વડાપ્રધાનશ્રીનો સંકલ્પ આ સંખ્યાને ૩૫૦ સુધી લઈ જવાનો છે. તાજેતરમાં સરકાર દ્વારા ‘ઉડાન સ્કીમ’ માટે રૂ. ૨૯,૦૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જે સિવિલ એવિએશનના ઇતિહાસમાં સૌથી મોટું ભંડોળ છે. આગામી દાયકામાં અમારું આયોજન ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપેડ બનાવવાનું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ આ ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવશે. અમને મુસાફરોનો પ્રતિસાદ મળ્યો હતો કે એરપોર્ટ પર ફલાઇટની રાહ જોતી વખતે જમવાની સારી સુવિધા હોવી જોઈએ. આ ફીડબેકને ધ્યાનમાં રાખીને અમે ઉડાન કેફેની શરૂઆત કરી છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમનો આરંભ વંદે માતરમના સમૂહ ગાનથી થયો હતો. દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરાયું હતું. આ તકે મંત્રીશ્રીએ ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં મુસાફરોને માત્ર રૂ. ૧૦માં ચા અને રૂ. ૨૦માં સમોસા-કચોરી જેવો નાસ્તો મળી રહેશે. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી હતી . તેમજ મહાનુભવોએ ગુજરાતની ઓળખ સમાન રાસ-ગરબા પણ નિહાળ્યા હતા.
આ તકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી વિપિન કુમારે શાબ્દિક સ્વાગત કર્યુ હતું, નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી સમીર કુમાર સિન્હા તેમજ સાંસદો શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યા હતા. આ કાર્યક્રમના અંતે એરપોર્ટ ડિરેક્ટર શ્રી દિગંત બોરાએ આભારવિધિ કરી હતી. દેશના અન્ય એરપોર્ટ પરથી પણ વર્ચ્યુઅલી સાંસદ શ્રી શંકરભાઈ લાલવાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.







