BANASKANTHAGUJARATPALANPUR

મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે રેશન ડીલરોનું સ્નેહ સંમેલન યોજાયું

30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના કાર્યક્રમમાં રેશનિંગ વ્યવસ્થાના મહત્વ પર ભાર મુકાયો.અંબાજીમાં રેશન ડીલરોનું અભિવાદન સમારોહ અને 52 ગજ ધજા યાત્રાનું આયોજન કરાયું.અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ અંબાજી મંદિર અને ગબ્બરના દર્શન કર્યા બાદ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા આયોજિત રેશન ડીલરોના અભિવાદન અને સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાકાળ દરમિયાન તથા અન્ય કારણોસર અવસાન પામેલા રેશન ડીલર પરિવારોના આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ ભગવતી વાટિકાથી અંબાજીના નિજ મંદિર સુધી 52 ગજની ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ સભ્યો જોડાયા હતા અને સમૂહમાં માતાજીના દર્શન તથા પ્રાર્થના કરી હતી.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા, ત્યારે સસ્તા અનાજના દુકાનદારોએ પોતાની પરવા કર્યા વગર છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવાનું સેવાકાર્ય કર્યું હતું. આ ફરજ દરમિયાન જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે, તેમના આત્માની શાંતિ માટે આજે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી છે.” સરકાર દ્વારા દુકાનદારોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે: સરકાર દ્વારા તેમના કમિશનમાં રૂ.૦.૩૫નો વધારો કરવામાં આવ્યો છે. આગામી સમયમાં દુકાનદારોના નાના-મોટા તમામ વ્યાજબી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે.આ પ્રસંગે ગુજરાત ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ મોદી તેમજ પુરવઠા વિભાગના અધિકારીઓ અને સસ્તા અનાજના દુકાનદાર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!