WAKANER:વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર અકસ્માત: માતાજીના દર્શને જતાં વૃદ્ધ દંપતીને કારે ઠોકર મારતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત




WAKANER:વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર અકસ્માત: માતાજીના દર્શને જતાં વૃદ્ધ દંપતીને કારે ઠોકર મારતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાંકાનેરથી વરડૂસર માતાજીના દર્શને જઈ રહેલા વૃદ્ધ દંપતીના બાઈકને પાછળથી પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાને કારણે વૃદ્ધ પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીને શરીરે ઈજાઓ પહોંચી હતી.

વાંકાનેર મામલતદાર કચેરી પાછળ પંચશીલ સોસાયટીમાં રહેતા પરબતભાઈ જેહાભાઇ લામકાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના પિતા જેહાભાઇ નાજાભાઈ લામકા (ઉ.વ. ૭૦) અને માતા રખુબેન પોતાનું બાઈક (GJ-03-BJ-8325) લઈને વરડૂસર માતાજીના દર્શને જઈ રહ્યા હતા.તેઓ જ્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી સામે પહોંચ્યા, ત્યારે પાછળથી આવતી કાર (GJ-03-MR-4827) ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં જેહાભાઇ લામકાને માથાના ભાગે અને બંને પગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા રખુબેનને શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




