
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બિહારના પરપ્રાંતીયને જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ, બાયડ ખાતે આશરો અપાવતી ઇસરી પોલીસ – માનવતાનું ઉત્તમ ઉદાહરણ

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે એક અજાણ્યો વ્યક્તિ પટેલ છાપરા ગામથી ઇસરી તરફ જતા જોવા મળ્યો હતો. જાગૃત યુવકો દ્વારા તેને પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ભાષા સમજાઈ ન હોવાથી તે આગળ ચાલ્યો ગયો હતો. શંકા જતા યુવકો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને ઇસરી સ્મશાન વિસ્તાર નજીક ફરી વાતચીત કરતાં તે બિહારનો હોવાનો અંદાજ આવ્યો હતો.યુવકો દ્વારા એક બેંક મેનેજરની મદદ લેવામાં આવી હતી, જેઓ બિહારી ભાષા જાણતા હોવાથી ફોન પર વાતચીત કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સંપૂર્ણ માહિતી મળી શકી નહોતી. અંતે આ પરપ્રાંતીય વ્યક્તિને ઇસરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ અભણ હોવાના કારણે તે સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. તેણે પોતાનું નામ હિન્દીમાં બાલુહસિંહ હોવાનું જણાવ્યું હતું અને પોતે બિહારનો હોવાનું કહ્યું હતું. છેલ્લા ચાર મહિનાથી ઘર છોડીને નીકળ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો. વ્યક્તિ થોડો માનસિક રીતે અસ્થિર હોવાનું જણાતા પોલીસે ધીરજપૂર્વક પૂછપરછ છતાં વધુ માહિતી મેળવી શકી નહોતી.આખરે ઇસરી પોલીસે માનવતા દાખવીને આ પરપ્રાંતીય વ્યક્તિને સુરક્ષિત સ્થળે મોકલવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ દ્વારા પોતાની PCR વાન મારફતે તેને જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ, બાયડ ખાતે આશરો અપાવવામાં આવ્યો હતો.ઇસરી પોલીસની આ કામગીરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થઈ છે.




