ડાંગ જિલ્લામાં ૧૭૫ ગામોમાં હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય ભજન-ભંડારા સાથે હનુમાન ચાલીસાનો નાદ ગુંજશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દંડકારણ્યની પાવનભૂમિ ઉપર જિલ્લાના દરેકે દરેક ૩૧૧ ગામોમા શ્રી હનુમાનજીના મંદિર નિર્માણના સંકલ્પકર્તા એસ.આર.કે ગૃપ સુરતના ગોવિંદભાઈ ધોળકિયા તથા પ્રેરણામૂર્તિ એવા પ્રયોશા પ્રતિષ્ઠાન, ડાંગના પી.પી. સ્વામીજી દ્વારા ડાંગના આદિવાસી બાંધવોના જીવનમા સામાજિક ચેતના જગાવવા માટે ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાગ’ નામનો શ્રીહનુમાન યજ્ઞ શરૂ કરાયો છે. જે પૈકી અત્યાર સુધીમાં ૧૭૫ જેટલા નવનિર્મિત હનુમાનજી મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા મંદિરોના નિર્માણ કાર્ય થી ગ્રામજનોમાં ભક્તિ ભાવમાં ખૂબ વૃદ્ધિ જોવા મળી રહી છે. હનુમાન જયંતી નિમિત્તે મંદિરોમાં ગ્રામજનો તરફથી ભક્તિ સભર વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં આહવા તાલુકાના મોટા ચર્યા તથા જાખાના ગામમાં ચાર દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ૧૪ ગામોમાં ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન છે. ૪૨ ગામોમાં ૫૪ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ૯૧ ગામોમાં ૩ દિવસ છત્રીસ છત્રીસ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ૩૦ ગામોમાં સાત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ૨૨ ગામોમાં હનુમાનજી મહારાજની પાલખીમાં શોભાયાત્રા યોજવામાં આવી છે. ૧૭૦ ગામોમાં ભંડારો કરવામાં આવશે. આ મંદિરોના સહયોગી દાતાશ્રી કે.ડી.નારોલા, શ્રી મહેશભાઈ કરગર તથા અન્ય દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે. પૂજ્ય પી.પી. સ્વામીજી સવાર થી મોડી રાત્રી સુધી વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી ભક્તોને પ્રોત્સાહિત કરશે. આ માટે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સંકલન કર્તા શ્રી પ્રભુભાઇ ધોળકિયાએ સમગ્ર રામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ આ આયોજનમાં ભાવિક ભક્તોને સહભાહી થવા આયોજકો દ્વારા જણાવાયું છે.
–




