ઇન્ડોનેશિયાના સમુદ્ર વિસ્તારમાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો

ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્ર વિસ્તારમાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હોવાનું યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું છે. સ્થાનિક સમય મુજબ સવારે 6:48 વાગ્યે આવેલા આ ભૂકંપની ઊંડાઈ લગભગ 35 કિલોમીટર નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર મોલુક્કા સાગરમાં ટર્નેટ નામના નાના ટાપુ નજીક હોવાનું જાણવા મળ્યું છે. આ ભારે આંચકાઓ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે તાત્કાલિક હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
ભૂકંપ બાદ સૌથી મોટો ખતરો સુનામી લહેરોનો માનવામાં આવી રહ્યો છે. હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે ભૂકંપના કેન્દ્રથી 1000 કિલોમીટર સુધીના વિસ્તાર, ખાસ કરીને ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠે જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે. આ ચેતવણીને પગલે તટિય વિસ્તારોમાં સાવચેતીના પગલાં વધારવામાં આવ્યા છે અને લોકોમાં ચિંતા વધી છે.
ભૂકંપના જોરદાર આંચકાઓને કારણે ઉત્તર સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. લોકો ઊંઘમાંથી જાગી ગયા અને ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે આંચકા એટલા તીવ્ર હતા કે લોકો જીવ બચાવવા માટે તરત જ ખુલ્લી જગ્યાઓ તરફ ભાગ્યા. નજીકની એક શાળાના વિદ્યાર્થીઓ પણ ઝડપથી મેદાનમાં પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં હાલ પણ ભય અને અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.





