
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા – હાજીપીર રૂટની બસમાં ફર્સ્ટ એઇડ બોક્સ ‘બિમાર’ હાલતમાં – મુસાફરોની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા
મુંદરા, તા. 3:
મુંદરા – હાજીપીર રૂટ પર દોડતી GSRTC બસમાં મુસાફરોની આરોગ્ય સુરક્ષા માટે રાખવામાં આવેલ ફર્સ્ટ એઇડ બોક્સની હાલત અત્યંત બેદરકારપૂર્ણ જોવા મળી રહી છે. એક તસ્વીરમાં બસની અંદર લગાવવામાં આવેલ ફર્સ્ટ એઇડ બોક્સ સ્પષ્ટ રીતે તૂટેલી અને જર્જરિત સ્થિતિમાં જોવા મળે છે જેના કારણે તે ઉપયોગ માટે યોગ્ય નથી એવું લાગી રહ્યું છે.
બીજી તસ્વીરમાં દર્શાવાયેલી બસ મુંદરા – હાજીપીર રૂટ પર દોડતી હોવાનું સામે આવે છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આ નિયમિત મુસાફરી કરતી બસમાં આવી અગત્યની સુવિધા હોવા છતાં તેની જાળવણી કરવામાં બેદરકારી રાખવામાં આવી રહી છે.
ફર્સ્ટ એઇડ બોક્સનો મુખ્ય હેતુ મુસાફરી દરમિયાન કોઈ મુસાફરને ઈજા કે તબિયત બગડે ત્યારે તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો હોય છે. સામાન્ય રીતે તેમાં બૅન્ડેજ, એન્ટિસેપ્ટિક લોસન, દવાઓ, કોટન, પેઇન રિલીફ ટેબ્લેટ અને અન્ય જરૂરી સામગ્રી હોય છે. પરંતુ હાલ બોક્સની સ્થિતિ જોઈને પ્રશ્ન ઉભો થાય છે કે જરૂર પડ્યે મુસાફરોને યોગ્ય સારવાર કેવી રીતે મળી શકશે?
ઉલ્લેખનીય છે કે બસના કંડક્ટરની ભરતી વખતે ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ અને સર્ટિફિકેટનો ફરજીયાત આગ્રહ રાખવામાં આવે છે. છતાં પણ આવી પરિસ્થિતિમાં ફર્સ્ટ એઇડ બોક્સની જાળવણીમાં બેદરકારી દાખવવીએ ગંભીર બાબત ગણાય છે. આથી પ્રશ્ન ઊભો થાય છે કે નિયમો હોવા છતાં તેની અમલવારી કેટલી અસરકારક રીતે થાય છે?
સ્થાનિક મુસાફરોમાં આ મુદ્દે ચિંતા વધી રહી છે. મુસાફરી દરમિયાન અચાનક કોઈને તકલીફ થાય તો પ્રાથમિક સારવારના સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે જે મુસાફરોની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ મામલે સંબંધિત તંત્રએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. બસોમાં ફરજિયાત ફર્સ્ટ એઇડ બોક્સ સજ્જ અને યોગ્ય હાલતમાં હોવો જોઈએ તેમજ સમયાંતરે તેને અધ્યતન પણ કરવું જરૂરી છે. મુસાફરોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી હોવાનું દેશલપર (ગુંતલી)થી સામાજીક કાર્યકર જગદીશ દવેએ એક યાદીમાં જણાવ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




