AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની કામગીરી સુનિશ્ચિત કરવા સમીક્ષા બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

*સમયમર્યાદામાં ગાઈડલાઈન અનુસાર ચુંટણીલક્ષી કામગીરી કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી*

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર ડાંગ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર ડાંગ જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા અને આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો. ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવા અને આચારસંહિતાની અમલવારી પર દેખરેખ, મેનપાવર, ટ્રાન્સપોર્ટ અને ઈવીએમ (EVM) વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓ, SVEEP અંતર્ગત મતદાર જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન, આઈ.ટી. કામગીરી, ઈ-ડેશબોર્ડ અને એસએમએસ મોનીટરીંગ દ્વારા પ્રક્રિયાનું ઝડપી સંચાલન તેમજ ચૂંટણીલક્ષી ફરિયાદો માટે હેલ્પલાઈન અને ત્વરિત નિકાલની વ્યવસ્થા સહિતની તમામ બાબતો ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે બેઠકમાં બેલેટ પેપરના છાપકામ, મીડિયા સંકલન, ચૂંટણી નિરીક્ષકો સાથેનું સંકલન અને સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થા અંગે પણ ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૦૧.૦૪.૨૦૨૬ ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે. તા. ૨૬.૦૪.૨૦૨૬ ના રોજ મતદાન અને તા. ૨૮.૦૪.૨૦૨૬ ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.

 

Back to top button
error: Content is protected !!