નવસારી જિલ્લાની તમામ હોટલ અને રેસ્ટોરન્ટના બોર્ડ પર”Paneer”અથવા”Analogue”લખવું ફરજિયાત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના આદેશ અન્વયે ખાસ અભિયાન તરીકે હોટલ/રેસ્ટોરન્ટ/તૈયાર ખોરાકના એકમો માં ઉપયોગ થતા પનીરના ઉપયોગ બાબતે “Paneer” અથવા “Analogue” તરીકે મેન્યુકાર્ડ/નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવાનું ફરજિયાત રહેશે..
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના આદેશ અન્વયે હોટલ/રેસ્ટૉરન્ટ/તૈયાર ખોરાકના એકમોમાં ઉપયોગમાં લેવાતા પનીર ખાધ્ય ચીજની જગ્યાએ એનાલોગનો ઉપયોગ અટકાવવા બાબતે મેન્યુકાર્ડ / નોટીસ બોર્ડ માં જાહેર જનતા જોઈ શકે તે રીતે ફરજીયાત પ્રસિધ્ધ કરવા સરકાર ધ્વારા તારીખ: ૦૪/૦૪/૨૦૨૬ના રોજ આદેશ કરી ઉપરોક્ત જોગવાઇઓનું ચુસ્ત પણે અમલવારી કરવા અધિકારીઓને સુચનાઓ આપવામાં આવેલ છે.
ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006 તથા તેના હેઠળના નિયમો અનુસાર રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, શુદ્ધતા અને યોગ્ય લેબલિંગ સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં બજારમાં “Paneer” ખાધ્ય ચીજને Analogue / Vegetable- Fat Paneer Alternative” તરીકે ઓળખાતા ઉત્પાદનોના વધતા ઉપયોગ અને તે સંદર્ભે ગ્રાહકોને ભ્રમિત કરવાની પ્રવૃત્તિઓ તંત્રના ધ્યાનમાં આવી છે. આ સંદર્ભે તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને સૂચિત કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઉત્પાદનોના ઉત્પાદન, પેકેજિંગ, લેબલિંગ તથા વેચાણ દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા જાળવે અને સંબંધિત નિયમોનું કડક પાલન કરે. ખાસ કરીને દૂધના સ્થાને વેજિટેબલ ફેટ, સ્ટાર્ચ અથવા અન્ય વિકલ્પો વડે તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોને “Paneer” તરીકે રજૂ કરવું અથવા વેચાણ કરવું કાયદેસર ગુનો છે અને આવા ઉત્પાદનોને “Paneer” અથવા “Analogue” તરીકે સ્પષ્ટ રીતે દર્શાવવું ફરજિયાત છે. ખાદ્ય પદાર્થોના લેબલ પર ઉત્પાદનોના ઘટકો, ગુણવત્તા, સ્વરૂપ અને પ્રકૃતિ અંગેની તમામ જરૂરી માહિતી સ્પષ્ટ અને સાચી રીતે દર્શાવવી જરૂરી છે જેથી ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેરસમજ ન થાય,હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય વ્યવસાય સ્થળોએ તૈયાર થતી પનીર આધારિત વાનગીઓમાં જો Analogue નો ઉપયોગ કરવામાં આવે તો તે અંગે ગ્રાહકોને યોગ્ય અને પૂર્વ જાણકારી આપવી આવશ્યક છે. કોઈપણ રીતે ગ્રાહકોને ભ્રમિત કરે તેવી રજૂઆત કરવી કે ખોટી માહિતી આપવી ભ્રામક વેપાર પ્રથા ગણાશે અને તે અંગે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006 હેઠળની કલમ 23, 24, 26, 27, 50, 51, 53 તથા 59 તેમજ FSS (Food Products Standards & Food Additives) Regulations, 2011 अने FSS (Labelling & Display) Regulations, 2018 મુજબ ઉપરોક્ત બાબતોનું પાલન કરવું ફરજિયાત છે. ફુડ સેફ્ટી ઓફીસર્સ દ્વારા નિયમિત નિરીક્ષણ, ચકાસણી અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રાહકોને પણ અનુરોધ કરવામાં આવે છે કે તેઓ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે લેબલની માહિતી ધ્યાનપૂર્વક વાંચે અને શંકાસ્પદ અથવા ભ્રામક ઉત્પાદનો અંગે નજીકના ખાદ્ય સુરક્ષા કચેરીનો સંપર્ક કરે.




