
અરવલ્લી – અહેવાલ
મેઘરજ વિસ્તારમાં અંગ્રેજી દારૂની હેરાફેરી અંગે લોકોમાં ઉઠ્યા સવાલો, પોલીસ ચોકીની માંગ તેજ
અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાં અંગ્રેજી દારૂની ગેરકાયદેસર હેરાફેરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. બોર્ડર વિસ્તારોમાં તંત્ર દ્વારા વારંવાર લાખો રૂપિયાના દારૂ સાથે વાહનો ઝડપાતા હોવા છતાં મેઘરજ અને આસપાસના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મેઘરજથી પસાર થતા ગામડાના રસ્તાઓની બાજુમાં ઘણીવાર દારૂની ખાલી બોટલો જોવા મળે છે. એટલું જ નહીં, કેટલીક દુકાનોની આસપાસ રાત્રિના સમયે દારૂની મહેફિલો જામતી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, જેના કારણે સામાજિક વાતાવરણ પર અસર પડતી હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો તંત્ર બોર્ડર વિસ્તારમાં સખત કાર્યવાહી કરી શકે છે તો ગામડાઓમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં કેમ લેવાતા નથી..? સ્થાનિકોએ માંગ કરી છે કે મેઘરજથી ઉંડવા જતા પુલ નજીક કાયમી પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તો દારૂની હેરાફેરી પર અસરકારક નિયંત્રણ આવી શકે. લોકોના જણાવ્યા મુજબ ઘણીવાર કાળા કાચવાળી તેમજ નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીઓ મેઘરજ રોડ પર જોવા મળે છે.
હાલમાં લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર તાત્કાલિક તપાસ કરીને કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ બાબતે શું પગલાં ભરે છે.





