ચૂંટણી પ્રચાર માટે સરકારી અતિથિગૃહોનો ઉપયોગ કરી શકાશે નહીં: વાવ-થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

6 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતદાનના ૪૮ કલાક પૂર્વે રાજકીય મહાનુભાવોએ સરકારી રહેણાંક ખાલી કરવા પડશે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ ૮ તાલુકા પંચાયતો તથા ભાભર અને થરાદ નગરપાલિકાની સામાન્ય/પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર જિલ્લામાં ‘આદર્શ આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી અન્વયે મતદાન તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી યોજાશે અને મતગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા તમામ પક્ષોને સમાન તક મળે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.એસ. પ્રજાપતિ (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.આ જાહેરનામા મુજબ, જિલ્લાના સરકારી વિશ્રામગૃહો, ડાક બંગલા કે સરકારી રહેણાંકોનો ઉપયોગ સત્તાધારી પક્ષ કે અન્ય કોઈપણ ઉમેદવાર એકહથ્થુ રીતે કરી શકશે નહીં. આ સ્થાનોનો ઉપયોગ ચૂંટણી પ્રચારની કચેરી તરીકે કે અન્ય કોઈ રાજકીય હેતુ માટે કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. સરકારી અતિથિગૃહોમાં રાજકીય પક્ષો દ્વારા કોઈ પણ પ્રકારની પ્રાસંગિક મીટિંગો યોજી શકાશે નહીં. વધુમાં, જો કોઈ મહાનુભાવને રોકાણ માટે રૂમ ફાળવવામાં આવ્યો હોય, તો તેમના કાફલામાં બે થી વધુ વાહનોને વિશ્રામગૃહના કમ્પાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં. ખાસ કરીને, મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ એટલે કે પ્રચાર પડઘમ શાંત થાય તે સમયથી કોઈપણ રાજકીય મહાનુભાવ સરકારી વિશ્રામગૃહ કે અતિથિગૃહમાં રોકાણ કરી શકશે નહીં. આ જાહેરનામું તા. ૦૩/૦૪/૨૦૨૬ થી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં અમલી રહેશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર જનતાને આ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.




