
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પડઘમ વચ્ચે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોટમદર ગામમાંથી ચોંકાવનારી ખબર સામે આવી છે.ગ્રામજનોએ વિકાસના મુદ્દાઓને લઈને ભારે નારાજગી વ્યક્ત કરતા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.કોટમદર ગામમાં વર્ષોથી મૂળભૂત સુવિધાઓનો અભાવ રહેલો છે, ખાસ કરીને આવન-જાવનની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
જાખાના ગામથી કોટમદરને જોડતા કોતર પર આવેલ ડૂબાઉં નાળુ સામાન્ય વરસાદમાં જ પાણીથી છલકાઈ જાય છે.જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને રાહદારીઓ માટે જીવના જોખમ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે.ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામજનોને શિક્ષણ, આરોગ્ય તેમજ રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી, દર્દીઓને સમયસર સારવાર મળતી નથી અને રોજગાર માટે નીકળતા લોકો પણ અટવાઈ જાય છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે તાલુકા કક્ષાથી લઈને જિલ્લા અને ધારાસભ્ય સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી.હાલમાં ગ્રામજનો એક જ રટણ કરી રહ્યા છે “અમને પુલ જોઈએ ઠાલા આશ્વાસનો નહી.અમો વર્ષોથી તકલીફ ભોગવી રહ્યા છીએ.દર વખતે ચૂંટણી આવે ત્યારે વચનો મળે છે, પરંતુ કામ થતુ નથી,” એમ ગ્રામજનોમાં ભારેલો આક્રોશ જોવા મળે છે.પૂર્વ સરપંચ ગંગારામ બાગુલે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,વર્ષોથી અમો ભાજપા પાર્ટી સાથે જોડાયેલા છે.તેમ છતા અમારૂ કામ થયુ નથી.જેમાં આઝાદીના દાયકાઓ બાદ પણ ગામમાં રસ્તા, પાણી અને મૂળભૂત સુવિધાઓનો અભાવ જે શરમજનક બાબત છે.જ્યારે મહિલા આગેવાન કમલાબેન માહલાએ પણ ગ્રામજનોની મુશ્કેલીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.હાલમાં ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, જ્યાં સુધી ડૂબાઉં નાળા પર ઊંચો પુલ બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મતદાનમાં ભાગ નહીં લે.એક તરફ સરકાર “સૌનો સાથ, સૌનો વિકાસ”ના નારા સાથે વિકાસના દાવા કરી રહ્યુ છે, ત્યારે કોટમદર ગામનો આ વિરોધ તે દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરે છે.હવે જોવાનુ એ રહ્યું કે તંત્ર અને રાજકીય નેતાઓ આ મુદ્દે કેટલા ઝડપી અને અસરકારક પગલા ભરે છે.અને શું ગ્રામજનોનાં બહિષ્કારનો નિર્ણય આવનાર દિવસોમાં પાછો ફેરવાઈ શકે છે કે નહીં તે જોવુ જ રહ્યુ..






