BHUJGUJARATKUTCH

પાણી અને ગટરના મુદ્દે ભુજના અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોને પ્રચાર માટે ‘ નો એન્ટ્રી ‘ ના બોર્ડ લાગતા વાસ્તવિકતા છતી થઈ

ચૂંટણી ટાણે 'રામ-રામ' અને સત્તા મળતા 'જોજો આમ' : નેતાઓ આવ્યા, પ્રજાના પ્રશ્નો ત્યાં જ રહી ગયા!

તારીખ : 08-04-2026

રિપોર્ટ : યશ માંકડ,પ્રતીક જોશી

 

ચૂંટણીનું રણશિંગુ ફૂંકાતાની સાથે જ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો ફરી એકવાર જનતાના દ્વારે ‘મતભિક્ષા’ માંગવા નીકળી પડ્યા છે. ગલીએ ગલીએ શિષ્ટાચાર અને હાથ જોડીને ઉભેલા નેતાઓને જોઈને જનતાના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે— “પાંચ વર્ષ સુધી ક્યાં હતા સાહેબ?” વચનોનો વરસાદ, પણ વાસ્તવિકતામાં દુકાળ, જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા જેવા પાયાના પ્રશ્નોનો નિકાલ કરવાના વાયદાઓનો ધોધ વહે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે સત્તાનું સિંહાસન મળતા આ જ જનસેવકો ‘મિસ્ટર ઈન્ડિયા’ની જેમ ગાયબ થઈ જાય છે. તૂટેલા રસ્તાથી લોકોને અનેક હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે, ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા, તે નક્કી કરવું મુશ્કેલ છે. ગટરની સમસ્યાઓને કારણે ઉભરાતી ગટરો અને દુર્ગંધ મારતા વિસ્તારોમાં રહેતી જનતા રોગચાળાના ભય હેઠળ જીવન વ્યતીત કરે છે. સ્વચ્છતાના ફોક વાયદા તળે કચરાના ઢગલાઓ સર્જન પામી જાય ત્યાં સુધી ‘સ્વચ્છ ભારત’ના નારા પોકળ સાબિત થઈ રહ્યા છે.

 

સત્તા મળતા જ જનતાનો સંપર્ક ‘આઉટ ઓફ રીચ’. સામાન્ય પ્રજાની ફરિયાદ છે કે ચૂંટણી જીત્યા બાદ નેતાઓ એરકંડિશન ગાડીઓ અને ઓફિસોમાં કેદ થઈ જાય છે. જે મતદારોના પગે પડીને વોટ માંગ્યા હતા, તે જ મતદારો જ્યારે પ્રશ્નો લઈને જાય છે ત્યારે તેમને ધક્કા ખાવા પડે છે અથવા તો “ગ્રાન્ટ નથી” જેવા ચીલાચાલુ જવાબો સાંભળવા મળે છે.

“ચૂંટણી સમયે જે નેતાઓ ગલીએ ગલીએ ફરતા હતા, તે સત્તા મળ્યા પછી ક્યારેય રસ્તાની હાલત જોવા પણ નથી આવ્યા. શું અમારો વોટ માત્ર પાંચ વર્ષની હાલાકી વેઠવા માટે હતો? કાર્યકાળ માં ઉપરથી આવેલ ગ્રાન્ટો અને સુખાકારી માટે થયેલ કામગીરીના સરવાળા કરવામાં આવે તો પાણીમાં દૂધ શોધવું પડે જેમાં શંકા ને કોઈ સ્થાન નથી ”

— એક જાગૃત નાગરિકની વ્યથા

 

પરંતુ જનતા હવે જાગૃત બની છે! આ વખતે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ઠેર ઠેર સોસાયટીઓની બહાર “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો લાગવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ નેતાઓની જૂની સ્પીચ અને હાલની કામગીરીના વીડિયો વાયરલ કરીને પ્રજા હિસાબ માંગી રહી છે. સંપૂર્ણ વાતનો નિષ્કર્ષ એમજ છે કે રાજકીય પક્ષોએ સમજવાની જરૂર છે કે પ્રજા હવે માત્ર વાયદાઓથી ભોળવાય તેવી નથી. જો ખરેખર લોકશાહીને જીવંત રાખવી હોય, તો નેતાઓએ ચૂંટણી જીત્યા પછી ‘ગુમ’ થવાને બદલે જનતાની વચ્ચે રહીને તેમના પાયાના પ્રશ્નોને વાચા આપવી જ પડશે.

Back to top button
error: Content is protected !!