MORBI:મોરબી મનપા દ્વારા’વન વીક વન રોડ’ ઝુંબેશ હેઠળ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના દબાણો દુર કરાયા

MORBI:મોરબી મનપા દ્વારા’વન વીક વન રોડ’ ઝુંબેશ હેઠળ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના દબાણો દુર કરાયા
મોરબી: શહેરના રસ્તાઓને ટ્રાફિકમુક્ત કરવા અને વિકાસકાર્યોને વેગ આપવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દર બુધવારે યોજાતી ‘વન વીક વન રોડ’ ઝુંબેશ હેઠળ આજે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના માર્ગ પરના કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ આ કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો નવો કેનાલ પેરેલલ રોડ બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ઇરિગેશન વિભાગ દ્વારા કેનાલથી 10 મીટર સુધીની જગ્યા સંપાદિત કરવામાં આવી છે.
આ સંપાદિત જગ્યામાં આશરે 6 મિલકતધારકોએ 2 થી 6 ફૂટ સુધીના દબાણો કર્યા હતા. રસ્તાનું કામ અવરોધાતું હોવાથી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.15 મહિનાથી સતત અભિયાન નોંધનીય છે કે શહેરમાં છેલ્લા 15 મહિનાથી સતત આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે:”જો કોઈએ સરકારી જગ્યા પર દબાણ કર્યું હોય તો તે સ્વેચ્છાએ દૂર કરી દે, જેથી શહેરના વિકાસ અને રસ્તા પહોળા કરવાની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે.”કેનાલમાં કચરો નાખવાની વધતી સમસ્યા અંગે પણ તંત્રએ ગંભીર નોંધ લીધી છે. ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ વ્યક્તિ જાહેરમાં કે કેનાલમાં કચરો નાખતા પકડાશે, તો તેની સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.









