
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – જાબ ચીતરીયાના વતની પૂર્વ IPS મનોજ નિનામા રાજીનામા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ, રાજકારણમાં પ્રવેશના સંકેત
અરવલ્લી : અરવલ્લી જિલ્લાના જાબ ચિતરિયા ગામના વતની અને પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નિનામા પોતાના રાજીનામા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હતા. ગાંધીનગરથી શામળાજી પહોંચેલા નિનામાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ૪૨ વર્ષની લાંબી સરકારી સેવા પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપ્યું છે.મનોજ નિનામાએ જણાવ્યું હતું કે સમાજનું તેમના પર ઘણું ઋણ છે અને હવે સમાજ માટે કંઈક કરવાની જવાબદારી સમજીને તેઓ જાહેર જીવનમાં વધુ સક્રિય બનવા માંગે છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હજુ સુધી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા સત્તાવાર સંપર્ક કરવામાં આવ્યો નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો નવો જિલ્લો હોવાથી વિકાસ માટે ઘણી તકો છે અને જો તક મળશે તો જિલ્લાના વિકાસ માટે પોતાની જવાબદારી નિભાવશે. તેમના નિવેદનથી તેઓ ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે તેવા સંકેતો મળ્યા છે.ઉલ્લેખનીય છે કે અગાઉ સેન્સ પ્રક્રિયા દરમિયાન મનોજ નિનામા ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા જેના કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો શરૂ થઈ હતી.





