
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાતાની ચર્ચા વચ્ચે અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું, પરિણામ ઉલટું પડી શકે તેવી ચર્ચાઓ જામી
અરવલ્લી જિલ્લામાં પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઈને બે દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લામાં અનેક જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈને રાજકીય પક્ષોમાં હજુ પણ મનોમંથન ચાલી રહ્યું હોવાનું લાગી રહ્યું છે
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ફાઈનલ ઉમેદવારોની યાદી મોટાભાગે તૈયાર કરી દીધી છે અને કેટલાક સંભવિત ઉમેદવારોને ટેલિફોન દ્વારા ટિકિટ અંગે જાણ કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે. આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં રાજકીય ગરમાવો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે.
વિશ્વસનીય સૂત્રો મુજબ જિલ્લામાં કેટલાક ઇચ્છુક તથા સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાઈ હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે. જેના કારણે કાર્યકર્તાઓમાં અસંતોષ ફેલાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે અને ક્યાંક રાજકીય સમીકરણોમાં અંતિમ ક્ષણે ફેરફાર થાય તો નવાઈ નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે.કેટલાક વિસ્તારોમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોવાની પણ માહિતી સામે આવી રહી છે, જેના કારણે કેટલાક ઇચ્છુક ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાસ કરીને મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી ટિકિટને લઈને ચાલતું મનોમંથન અંતિમ તબક્કે બદલાઈ ગયું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.હવે જોવાનું એ રહેશે કે કયો રાજકીય પક્ષ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર થયા બાદ જ સ્પષ્ટતા થશે. પરંતુ કેટલાક ઉમેદવારોને ટેલિફોન દ્વારા ટિકિટ ફાઈનલ થયાની માહિતી મળ્યાની ચર્ચાઓને લઈને જિલ્લામાં રાજકારણ વધુ ગરમાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.





