AHAVADANGGUJARAT

ડાંગ ભાજપામાં ટિકિટ વિતરણ વિવાદથી આંતરિક વિખવાદ તેજ: ઘરનું જ અગ્નિકાંડ’પક્ષને પડશે ભારે?

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપામાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ડાંગ જિલ્લા પંચાયતની 18 સીટો અને ત્રણેય તાલુકા પંચાયતની 48 ટિકિટ વહેંચણીમાં થયેલી ગોટાળાબાજી, અસ્પષ્ટતા અને જમીનસ્તરની હકીકતોને અવગણતા લેવાયેલા નિર્ણયો કારણે પાયાનાં કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપા ડાંગ જિલ્લામાં પોતાની જ નીતિઓનાં ભાર નીચે દબાતી દેખાઈ રહી છે.ભાજપા પાર્ટીના વર્ષોથી સમર્પિત અને પ્રભાવશાળી નેતાઓને ટિકિટ ન આપતા સંગઠનમાં ભડકો થયો છે.

ડાંગ ભાજપાનાં કદાવર ચહેરાઓની અવગણનાએ કાર્યકરોમાં અસંતોષને ઉશ્કેર્યો છે.આવા અનેક સ્થળોએ બગાવતી સ્વર સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે અને અસંતુષ્ટ કાર્યકરો સ્વતંત્ર ઉમેદવારી નોંધાવવા તૈયાર થઈ રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.ગુજરાત પ્રદેશ ભાજપા પાર્ટી દ્વારા લાગુ કરાયેલા નિયમો-ત્રણ વખત ચૂંટણી લડેલા નેતાઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ ન આપવાના માપદંડ-સ્થાનિક કાર્યકરો માટે અસ્વીકાર્ય અને વેધક બની રહ્યા છે.

આ નિર્ણયો જમીનસ્તરની રાજકીય હકીકતોને અવગણીને લેવાયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.પરિણામે જૂથવાદ અને આંતરિક ખેંચતાણ વધુ ઊંડું બન્યુ છે.આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ‘પતિ સંગઠનમાં અને પત્ની ઉમેદવાર’ જેવી રણનીતિ અપનાવાઈ રહી હોવાની ચર્ચાએ વધુ વિવાદ ઊભો કર્યો છે.મૂળ આદિવાસી ઉમેદવારોને કોરાણે મૂકાતા અસંતોષમાં વધારો થયો છે, જે પક્ષ માટે ગંભીર ચેતવણી સમાન છે.

ભાજપાની આ આંતરિક અશાંતિનો સીધો ફાયદો કોંગ્રેસને મળતો જોવા મળી રહ્યો છે.હાલમાં  કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.અને તેઓ ભાજપાની ખામીઓનો લાભ લઈ મજબૂત પ્રદર્શન કરવા સક્રિય બન્યા છે.

 

રાજકીય વિશ્લેષકો માને છે કે જો ભાજપા તાત્કાલિક સ્થિતિ કાબૂમાં નહીં લાવે, તો આવનારી ચૂંટણીમાં ભારે નુકસાન અનિવાર્ય બની શકે છે.ડાંગ જિલ્લાના રાજકીય પરિપ્રેક્ષ્યમાં ભૂતકાળમાં પણ આવા ઉદાહરણો જોવા મળ્યા છે કે જ્યાં ભાજપાના નેતૃત્વ હોવા છતાં ટેકો કોંગ્રેસ તરફ વળ્યો હતો. હાલની પરિસ્થિતિ એ જ દિશામાં આગળ વધતી દેખાઈ રહી છે.હાલમાં ભાજપા માટે આ સ્થિતિ ‘ઘરનું જ અગ્નિકાંડ’ સાબિત થઈ શકે છે, જેનાથી પાર્ટીની વિશ્વસનીયતા અને સંગઠનશક્તિ બંનેને ગંભીર ઝટકો લાગી શકે છે.આગામી દિવસોમાં ડાંગની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા થવાના સંકેતો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ભાજપા માટે હવે સમય ખૂબ જ સંવેદનશીલ છે નહીંતર ‘ભૂકંપ’ જેવી સ્થિતિ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે.

Back to top button
error: Content is protected !!