વાવ થરાદ જિલ્લામાં ભાજપમાં બળવો! જૂના કાર્યકર્તાઓને અવગણી ખેસ ન પહેરનારને ટિકિટ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ–થરાદ પંથકમાં ભાજપની સેન્સ પ્રક્રિયા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. તાલુકા સ્તરે ટિકિટ વહેંચણીમાં પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયોને લઈને કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ૬૦ વર્ષના ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયથી યુવા કાર્યકર્તાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે તે પાર્ટીમાં સક્રિય રીતે ક્યારેય નજરે પડ્યા નથી. “ખેસ પણ પહેર્યો નથી અને સીધી ટિકિટ!” – આવો ગુસ્સો અનેક જૂના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. વર્ષોથી મેદાનમાં મહેનત કરનાર કાર્યકર્તાઓને અવગણતા બહારથી આવેલા અથવા નિષ્ક્રિય વ્યક્તિને તક આપવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિક કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે સેન્સ પ્રક્રિયા માત્ર દેખાવ પૂરતી રહી છે અને વાસ્તવિક પ્રતિબદ્ધતા કે લોકપ્રિયતા કરતાં ‘સેટિંગ’ અને ‘લોબીંગ’ને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી પાર્ટીના અંદરના જૂથવાદને પણ બળ મળ્યું છે.
ઘણા કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે અને કેટલાકે તો “આ રીતે ચાલશે તો પરિણામ પર અસર પડશે” એવી ચેતવણી પણ આપી છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં લેતા આ આંતરિક અસંતોષ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
હવે જોવાનું રહ્યું કે પાર્ટી આ બળવાખોરીને કેવી રીતે શમાવે છે કે પછી આ અસંતોષ મતદાન સુધી અસર કરે છે.




