
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે રાજકીય માહોલ ગરમાયો હતો. કુકણા સમાજ ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થતાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ-નગારા, આદિવાસી નૃત્ય અને ભારે ઉત્સાહ સાથે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અહીં ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ઔપચારિક રીતે જમા કરાવ્યા હતા.
ભાજપે તાલુકા પંચાયતની 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. કુકણા સમાજ ભવન ખાતેથી રેલીના સ્વરૂપે નીકળેલા ઉમેદવારો અને સમર્થકો ઢોલ-નગારા સાથે આગળ વધ્યા હતા અને પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે કચેરી સુધી પહોંચ્યા હતા.
મામલતદાર મીત મોદી તેમજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ બારોટ સમક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. આ દરમિયાન રાકેશ શર્મા, શાંતુ ગામીત, શિવેન્દ્ર સિંહ સોલંકી, યશપાલ સોલંકી, મુકેશ પટેલ, મહેશ ગામીત, ડોક્ટર લોશન શાસ્ત્રી સહિતના કાર્યકર્તાઓ સમર્થકો હાજર રહ્યા હતા.





