લાખણીના જડીયાલીમાં ભાજપને ઝટકો! ગામ એકજૂથ, ઉમેદવારે ચૂંટણીથી હાથ ખેંચ્યો—કોંગ્રેસના ઉમેદભાઈ ઠાકોર માટે ઝંગી બહુમતીની લહેર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
લાખણી તાલુકાના જડીયાલી ગામમાં રાજકીય માહોલ ગરમાયો છે. વિકાસના મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં ગામજનો એકજૂથ બન્યા છે અને ભાજપ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભાજપના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
ગામજનોનો આક્ષેપ છે કે વિકાસના નામે કરવામાં આવેલા કામોમાં અસમાનતા અને અન્યાય થયો છે. અનેક મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેલા લોકો હવે પોતાની નારાજગી જાહેર રીતે વ્યક્ત કરી રહ્યા છે. ગામમાં બેઠકો અને ચર્ચાઓ બાદ એકમતથી નિર્ણય લેવાયો કે આ વખતે પરિવર્તન જરૂરી છે.
આ પરિસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેદભાઈ ઠાકોરને સમર્થન આપવા માટે ગામજનો દ્વારા હાકલ કરવામાં આવી છે. ગ્રામજનોનો વિશ્વાસ છે કે આ વખતે મોટી બહુમતીથી જીત અપાવીને તેઓ પોતાની અવાજ મજબૂત બનાવશે.
આ ઘટનાએ લાખણી તાલુકાની રાજનીતિમાં નવી ચળવળ ઊભી કરી છે. ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ માટે આ સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી ચૂંટણીમાં આ મુદ્દો કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહેશે.




