ચૂંટણી પૂર્વે બબાલ: સ્ક્રુટીની દરમિયાન હંગામો, ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના ભાજપ અને પોલીસ પર આક્ષેપ
બોક્સ - ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ જનતા આનો જવાબ આપશે.” — ગુલાબસિંહ રાજપૂત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને થરાદમાં તણાવપૂર્ણ માહોલ વચ્ચે નામાંકન ફોર્મની ચકાસણી દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો વધાર્યો છે.
સ્ક્રુટીની દરમિયાન ઉમેદવારો દ્વારા અનિયમિતતા અંગે પ્રશ્નો ઉઠતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર આરોપ મૂકતા જણાવ્યું કે પક્ષ પાસે મજબૂત ઉમેદવારોના અભાવે તેઓ વિરોધ પક્ષના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ સાથે પોલીસ તંત્ર પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉમેદવારોનો દાવો છે કે તેમને ફોર્મ પાછું ખેંચવા દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. સ્ક્રુટીની પ્રક્રિયામાં પ્રતિનિધિઓને પ્રવેશ ન આપવાના મુદ્દે “લોકશાહીની હત્યા” જેવા આક્ષેપો પણ સામે આવ્યા છે.
બીજી તરફ, પોલીસે તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને તેઓ નિષ્પક્ષ રીતે ફરજ બજાવી રહ્યા છે.
ઘટનાને લઈને વિરોધ પક્ષોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ચૂંટણી નજીક આવતા થરાદમાં રાજકીય તણાવ વધી રહ્યો છે.





