PANCHMAHALSHEHERA

શહેરા નગરપાલિકા ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપનો વિજયધ્વજ: ૨૮માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ સત્તાધારી પક્ષ ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લેતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની કુલ ૨૮ બેઠકો માટે યોજાનારી ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાના તબક્કા બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, જેમાં કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકોમાંથી ૧૫ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૫ ની તમામ બેઠકો બિનહરીફ થતા આ વોર્ડમાં હવે મતદાનની જરૂરિયાત રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે ચૂંટણી માટે કુલ ૭૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી દરમિયાન ૩૭ ફોર્મ રદ થયા હતા અને બાકીના ફોર્મ માન્ય રહ્યા હતા. વિરોધ પક્ષના મજબૂત ઉમેદવારોના અભાવે અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થતા ભાજપે ચૂંટણી પહેલા જ મેદાન મારી લીધું છે. પાલિકાના ઇતિહાસમાં વર્ષોથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, ત્યારે આ વખતે પણ અડધાથી વધુ બેઠકો કબજે કરીને ભાજપે પોતાની પક્કડ મજબૂત બનાવી છે. આ ભવ્ય સફળતાને પગલે સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!