MORBI:મોરબી ચૂંટણી પહેલા જ ભાજપ સામે રોષ, વોર્ડ નં. 6 માં લાગ્યા ‘પ્રવેશબંધી’ ના પોસ્ટરો




MORBI:મોરબી ચૂંટણી પહેલા જ ભાજપ સામે રોષ, વોર્ડ નં. 6 માં લાગ્યા ‘પ્રવેશબંધી’ ના પોસ્ટરો

મોરબી: ગુજરાતમાં આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મોરબીના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. મોરબીના વોર્ડ નંબર 06 માં સ્થાનિક રહીશો દ્વારા ભાજપ વિરોધી પોસ્ટરો લગાડવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચા જાગી છે.

”મત માંગવા આવવું નહીં” – લોકોનો આક્રોશ વોર્ડ નંબર 06 ના વિવિધ વિસ્તારોમાં લાગેલા આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે:”ભાજપના નેતાઓ કે આગેવાનોએ ચૂંટણી પ્રચાર માટે અહીં આવવું નહીં, અમારો કિંમતી મત માંગવા આવવો નહીં.”સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ ‘પ્રવેશબંધી’ એ શાસક પક્ષ માટે ચિંતાનો વિષય બની છે. રહીશોનો આરોપ છે કે ચૂંટણી સમયે વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પત્યા પછી પાયાની સુવિધાઓ માટે પણ નેતાઓ ડોકાતા નથી. વિકાસના દાવાઓ પર સવાલ
એક તરફ ભાજપ સરકાર દ્વારા ‘વિકાસ’ ના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોરબીના આ પોસ્ટરો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. આ પોસ્ટરો જોઈને એવું લાગી રહ્યું છે કે તે ભાજપના કહેવાતા વિકાસ કાર્યોની પોલ ખોલી રહ્યા છે. સ્થાનિક સ્તરે રસ્તા, પાણી કે ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ આ આક્રોશનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ વોર્ડ નં. 6 માં થયેલો આ વિરોધ ભાજપના સ્થાનિક સંગઠન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. વિરોધ પક્ષો પણ આ મુદ્દે સક્રિય થયા છે અને સત્તાધારી પક્ષ પર નિશાન સાધી રહ્યા છે.હવે જોવાનું એ રહેશે કે ભાજપના નેતાઓ આ નારાજ મતદારોને મનાવવામાં સફળ રહે છે કે પછી આ રોષ ચૂંટણીના પરિણામોમાં પરિવર્તિત થશે.




