ઉમરગામમાં રેલવે સંપાદન વિવાદ: યુવાને ઓછું વળતર અને ધમકીના આક્ષેપો સાથે મુખ્યમંત્રીનો દ્વાર ખખડાવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ વલવાડા ગામના બંગલી ફળિયામાં રહેતા સંદીપભાઈ વિનોદભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક વિગતવાર ફરિયાદ રજૂ કરવામાં આવી છે. જેમાં તેમણે રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે કરવામાં આવેલા જમીન સંપાદન પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ અને અપૂરતા વળતરના આક્ષેપો કર્યા છે.
આ રજૂઆત પત્રમાં સંદીપભાઈ અને તેમના સહમાલિકોના સંયુક્ત નામે આવેલા સર્વે નંબર 471, 472 અને 475ની જમીનમાંથી સર્વે નં. 475 હેઠળની અંદાજે 752 ચોરસ મીટર જમીન તથા તેમાં આવેલ રહેણાંક મકાન (ઘર નં. 1374), દુકાન, બાથરૂમ અને પાણીનું બોરીંગ સહિતની મિલકત રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે સંપાદિત કરવામાં આવી છે.
અરજદારનો આક્ષેપ છે કે સંપાદન પ્રક્રિયા દરમિયાન થયેલ સર્વે અધૂરો અને ખોટો છે. મકાનનું કુલ 1200 ચોરસ ફૂટ અને દુકાનનું 150 ચોરસ ફૂટનું બાંધકામ હોવા છતાં તેનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી. ઉપરાંત, જમીનમાં આવેલા ઝાડોનો ઉલ્લેખ પણ નોંધવામાં આવ્યો નથી, જેના કારણે તેનાં વળતરથી અરજદાર વંચિત રહ્યા છે. સંદીપભાઈએ જણાવ્યું કે, સર્વેયર દ્વારા યોગ્ય માહિતી આપ્યા વગર તેમની સહી લેવામાં આવી હતી. વધુમાં, કલેકટર કચેરી દ્વારા મિલકતની બજાર કિંમત ગેરવ્યાજબી રીતે ખૂબ ઓછી નક્કી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું. આસપાસના વિસ્તારમાંના બજાર ભાવ અથવા નિષ્ણાતની મદદ લીધા વગર મનસ્વી રીતે વળતર નક્કી કરાયું હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે.
તેમણે અગાઉ વલસાડ જિલ્લા કલેકટર કચેરીમાં પણ આ અંગે રજૂઆત કરી હતી, જેના અનુસંધાને ફરી સર્વે કરવામાં આવ્યો હતો. છતાંય, યોગ્ય બજારભાવ મુજબનું વળતર મળ્યું નથી. 2 એપ્રિલ 2026ના રોજ તેમને કુલ 13.41 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવા છતાં, આ રકમ વાસ્તવિક મૂલ્ય કરતાં ઘણી ઓછી હોવાનું તેઓનું કહેવું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સંપાદન અધિકારીઓ દ્વારા યોગ્ય વળતર ચૂકવ્યા વગર ઘર ખાલી કરવા માટે દબાણ અને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. જ્યારે આસપાસના કેટલાક બિનધારાધોરણ ધંધાદારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે અરજદારને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે.
સંદીપભાઈએ તેમની રજૂઆતમાં જમીન સંપાદન કાયદાની કલમ 26થી 30 અને પ્રકરણ-5ની જોગવાઈઓનું પાલન ન થયાનું જણાવ્યું છે. તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, કલમ 69 અને 70 મુજબ વ્યાજ સહિત મહત્તમ વળતર તથા તમામ હક લાભો ચૂકવવાનો હુકમ આપવામાં આવે. સાથે જ, યોગ્ય વળતર મળ્યા વગર ઘર ખાલી કરાવવા ન દેવા પણ વિનંતી કરવામાં આવી છે.
અંતમાં તેમણે મુખ્યમંત્રીને સંવેદનશીલ અને પ્રજાવત્સલ નેતા તરીકે સંબોધીને ન્યાય અપાવવાની અપેક્ષા વ્યક્ત કરી છે. આ રજૂઆતની સાથે ,રી-સર્વે માટે કરવામાં આવેલી અરજીઓની નકલો તેમજ જમીન પર આવેલા ઝાડોના પુરાવા અને મામલતદાર કચેરી, ઉમરગામ દ્વારા આપવામાં આવેલી નોટિસની નકલ બિડાણમાં સામેલ કરી છે.ત્યારે આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.




