
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસને સાયબર ગુનાખોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને પોલીસે રાજસ્થાન રાજ્યમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીનાં માર્ગદર્શન હેઠળ સાઈબર પોલીસ મથકનાં પી.આઈ.એચ.બી.પટેલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.સાઈબર પોલીસ વિભાગ આહવા ડાંગને મળેલી ગુપ્ત માહિતી, ટેક્નિકલ એનાલિસિસ અને માનવ સૂત્રોના સંકલનથી આરોપીનું લોકેશન રાજસ્થાન રાજ્યમાં હોવાનું નિશ્ચિત કર્યું હતુ.ત્યારબાદ તાત્કાલિક ટીમ બનાવી રાજસ્થાન રવાના થઈ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપીની ઓળખ તીર્થરાજ શંભુદયાલ મીના (રહે. ગામ નિમોદ, તા. મલારણા ડુંગર, જી. સવાઈ માધોપુર, રાજસ્થાન) તરીકે થઈ છે.ડાંગ સાઈબર પોલીસની ટીમે આરોપીને ખૂબ જ ઓછા સમયમાં શોધી કાઢી ધરપકડ કરવામાં આવી હોવાને કારણે ડાંગ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) હેઠળ કલમ 318(4) તેમજ આઈટી એક્ટ હેઠળ કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી સામે વધુ પૂછપરછ ચાલી રહી છે અને ગુનામાં સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ ચાલુ છે.આ કામગીરીમાં ડાંગ સાઈબર PI એચ.બી. પટેલ, PSI બી.પી. પટેલ, PSI એસ.સી.ગામિત સહિત પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અથવા પોલીસ હેલ્પલાઈન 112 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે..





