અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસુ નબળું રહેવાના અણસાર : હવામાન વિભાગ

ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસરના કારણે ચોમાસુ નબળું રહેવાના અણસાર છે. આ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અલ નીનોની અસરના કારણે ગુજરાત સહિત દેશમાં ચોમાસું નબળું રહેશે. 8 વર્ષમાં પહેલીવાર ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. 1951 પછી અત્યાર સુધીમાં 16 વખત અલનીનોની સ્થિતિ સર્જાઈ છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. 1951 પછી અત્યાર સુધીમાં 16 વખત અલનીનોની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દેશમાં કુલ વરસાદ LPA એટલે કે લોંગ પિરિયડ એવરેજના લગભગ 92% રહેવાનો અંદાજ છે,જે સામાન્ય કરતાં ઓછી શ્રેણીમાં છે. જો વરસાદ ઓછો થાય તો કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ઉત્પાદનમાં ઘટાડાથી શાકભાજી,કઠોળ સહિતની ચીજવસ્તુના ભાવ વધી શકે છે.
વરસાદ ઓછો પડે તો ડેમ અને જળાશયોનું જળસ્તર સામાન્ય કરતાં નીચે રહી શકે. જળસ્તર ઘટતાં આગળ જતાં પાણીની ઉપલબ્ધતા પ્રભાવિત થઈ શકે છે.
નોંધનીય છે કે આબોહવાની બે પેટર્ન હોય છે અલ નીનો અને લા નીના… અલ નીનોમાં સમુદ્રનું તાપમાન 3થી 4 ડિગ્રી વધી જાય છે, તેની અસર 10 વર્ષમાં બે વાર થાય છે, જેને લીધે વધુ વરસાદવાળા વિસ્તારમાં ઓછો અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં વધુ વરસાદ થાય છે. બીજી પેટર્ન છે લા નીના… તેમાં સમુદ્રનું પાણી ઝડપથી ઠંડું થાય છે અને તેની અસર દુનિયાભરના હવામાન પર પડે છે, જેનાથી આકાશમાં વાદળો છવાય છે અને સારો વરસાદ થાય છે.






