નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

મુકેશ પરમાર,,,, નસવાડી
નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના રહેવાસી વિકાસભાઈ ગોપાલભાઈ ભીલના ખેતરમાં આજે અચાનક એક મહાકાય અજગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને ખેતર વિસ્તારમાં કામ કરતા લોકોમાં ભયની સાથે કુતૂહલનો માહોલ સર્જાયો હતો, પરંતુ આ કપરી પરિસ્થિતિમાં મીઠીવાવ ગામના યુવાનો સમયસૂચકતા અને સાહસને કારણે કોઈ મોટી જાનહાનિ થતા અટકી હતી. ઘટનાની જાણ થતાં જ વન્યજીવોને રેસ્ક્યુ કરવામાં પાવરધાર અને નિપુણ એવા મીઠીવાવ ગામના યુવાન અનિલભાઈ પ્રકાશભાઈ ભીલ તથા કિશનભાઇ પ્રભુભાઈ ભીલ વિલંબ કર્યા વગર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોતાની જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી અત્યંત કુશળતાપૂર્વક આ વિશાળકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. આ સફળ રેસ્ક્યુ કામગીરી બદલ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આ બન્ને યુવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની હિંમતને બિરદાવી હતી; હવે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ વન્યજીવને તેના કુદરતી આવાસમાં અને સુરક્ષિત સ્થાને મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેનાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.





