
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આહવા જિલ્લા પંચાયત ભવન ખાતે ભાજપા-કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કલમવિહિર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો..
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થતા બાકીની 47 બેઠકો પર ભાજપા અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવા કારણે જિલ્લા પંચાયત ભવન ખાતે ભારે રાજકીય ચહલપહલ જોવા મળી હતી.આ દરમિયાન આહવા તાલુકા પંચાયતની કલમવિહીર બેઠક પર નાટકીય વળાંક આવ્યો હતો.કલમવિહીર બેઠક માટે ભાજપા તરફથી સુનીતાબેન રાજેશભાઈ ગાવીત અને કૉંગ્રેસ તરફથી હિનાબેન સંતોષભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે અંતિમ દિવસે કૉંગ્રેસનાં ઉમેદવાર હિનાબેન ચૌધરીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ હતી.આ પરિસ્થિતિમાં ભાજપા ઉમેદવાર સુનીતાબેન રાજેશભાઈ ગાવીત બિનહરીફ જાહેર થતા ભાજપા ખેમામાં ખુશીની લહેર ફરી વળી હતી.ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત, સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ તથા ધારાસભ્ય વિજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપાને આ બેઠક બિનહરીફ મેળવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયત ભવન ખાતે ભાજપા અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં હવે બાકી રહેલી બેઠકો પર ભાજપા અને કૉંગ્રેસ વચ્ચે કડક ટક્કર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.





