અમદાવાદ ગ્રામ્યમાં મતદાન જાગૃતિ માટે SVAP અભિયાન તેજ, ૬૦૦થી વધુ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ અને શપથવિધિ યોજાઈ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
આગામી તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લોકશાહીનો ઉત્સવ વધુ વ્યાપક રીતે ઉજવાય અને મતદાન ટકાવારીમાં વધારો થાય તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા SVAP (State Voters Awareness Programme) અંતર્ગત વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જિલ્લાના આશરે ૬૨૦ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે ૩૦,૦૫૪ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ મતદાન જાગૃતિ માટે એકસાથે શપથ ગ્રહણ કર્યો હતો. આ શપથવિધિ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારીની ભાવના વિકસે તે માટે શાળાઓમાં નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા, સૂત્રલેખન તથા ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ‘બધા કામ છોડી દો, સૌથી પહેલા વોટ દો’ અને ‘તમારો મત, તમારી તાકાત’ જેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા સમાજને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આગામી દિવસોમાં યોજાનારી મતદાન જાગૃતિ રેલી, માનવ સાંકળ, રંગોળી સ્પર્ધા તથા ગ્રામ્ય સ્તરે જાગૃતિ કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાવા માટે તૈયારીઓ શરૂ કરી છે. શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાન દ્વારા યુવા પેઢીમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના મજબૂત બની રહી છે.
આ ઉપરાંત શાળાઓ દ્વારા સ્થાનિક સમાજ સાથે સંકલન સાધીને મતદારોને પ્રેરિત કરવા માટે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં આ પ્રયાસો દ્વારા લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે સકારાત્મક અને ઉત્સાહભર્યું વાતાવરણ ઉભું થયું છે, જે આગામી ચૂંટણીમાં ઊંચી મતદાન ટકાવારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.










