
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં કાર્યકરોમાં ઉમંગ, ભાજપાનો ભવ્ય જીતનો દાવો

ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આહવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભાજપાની ભવ્ય વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું હતું.
સભાને સંબોધતા ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપા ભવ્ય જીત હાંસલ કરશે. ધારાસભ્ય વિજયભાઈ પટેલે કાર્યકરોને સંકલ્પ અપાવી જિલ્લાની તમામ બેઠકો જીતવાની અપીલ કરી અને આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અર્પણ કરવાની વાત કરી.
ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લોકશાહીના પર્વ તરીકે ગણાવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. તેમણે ભાજપા સરકારના શાસનમાં શિક્ષણ, પાણી, રસ્તા સહિતના ક્ષેત્રોમાં થયેલા વિકાસને રેખાંકિત કર્યો અને આદિવાસી નાયક બિરસા મુંડાના યોગદાનને યાદ કરતાં આદિવાસી ગૌરવ દિનની ઉજવણીનો ઉલ્લેખ કર્યો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં આદિવાસી સમાજને નમન કરતાં જણાવ્યું કે તેઓ મા શબરીની પવિત્ર ભૂમિ પર આવ્યા હોવાનો ગર્વ અનુભવે છે. તેમણે ડાંગ જિલ્લામાં પાણી, આરોગ્ય, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની વાત કરી અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે અગાઉ લોકોને પાણી માટે મુશ્કેલી વેઠવી પડતી હતી, જ્યારે હવે ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું છે.
સભા દરમિયાન સાકરપાતળ વિસ્તારના કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપામાં જોડાતા રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
બોક્સ ન્યૂઝ:
ભાજપાની વિકાસ સંકલ્પ સભામાં ભારે જનસમૂહ ઉમટ્યો હતો. આગેવાનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો અને વિરોધ પક્ષો પર તીખા પ્રહાર કર્યા. સાથે જ આદિવાસી વિકાસ અને ગૌરવના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મતદારોને કમળના નિશાન પર મતદાન કરવાની અપીલ કરવામાં આવી. સાકરપાતળ વિસ્તારમાંથી કોંગ્રેસના કાર્યકરો ભાજપામાં જોડાતા રાજકીય ચહલપહલ વધુ તેજ બની છે.





