KUTCHMUNDRA

વરમાનગર–નારાયણ સરોવર રૂટ પર GSRTCના નવા નિયમોથી મુસાફરો બેહાલ: વૃદ્ધ મુસાફરને બસમાંથી ઉતારી મુકાયા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

વરમાનગર–નારાયણ સરોવર રૂટ પર GSRTCના નવા નિયમોથી મુસાફરો બેહાલ: વૃદ્ધ મુસાફરને બસમાંથી ઉતારી મુકાયા

 

વરમાનગર, તા. લખપત (જી. કચ્છ), તા. 18:

લખપત તાલુકાના વરમાનગરથી નારાયણ સરોવર રૂટ પર દોડતી એસ.ટી. બસ સેવામાં લાગુ કરવામાં આવેલા વિચિત્ર અને જટિલ નિયમોના કારણે સામાન્ય મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બસમાં લગાવવામાં આવેલી નોટિસ મુજબ મુસાફરોને ૧૫ દિવસનું ભાડું ભરીને ૩૦ દિવસ મુસાફરી કરવાની રાહત આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતામાં આ નિયમનો અમલ કરવામાં ગેરસમજ અને મુસાફરોની પજવણીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

તાજેતરમાં એક આઘાતજનક બનાવમાં, નારાયણ સરોવર વિસ્તારના નિઃસંતાન વૃદ્ધ મુસાફર કુંભાર ઓસમાણ નાથા, જેઓ છેલ્લા ૧૫ દિવસથી માંગરોળ–નારાયણ સરોવર રૂટની સવારની ૫ વાગ્યાની બસમાં મુસાફરી કરતા હતા, તેમને અધવચ્ચે મુસાફરી દરમિયાન બસમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. મુસાફરોનો આરોપ છે કે નોટિસમાં રાહતની જાહેરાત હોવા છતાં, કંડક્ટર કે તંત્ર દ્વારા મુસાફરોને બસમાં ચઢવા બાબતે હેરાન કરવામાં આવે છે, જેના કારણે ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લોકો પર આર્થિક અને માનસિક બોજ વધી રહ્યો છે.

આ ગંભીર બેદરકારી અને મુસાફરોની અગવડતા અંગે વરમાનગરના જાગૃત નાગરિક સામતદાન વી. ગઢવી દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે એસ.ટી. તંત્ર દ્વારા આવા જટિલ નિયમોમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે અથવા તેને રદ કરવામાં આવે જેથી ગરીબ વર્ગના લોકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવી ન પડે. હાલમાં આ મુદ્દે સમગ્ર પંથકમાં એસ.ટી. વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અહેવાલ: જગદીશ દવે – દેશલપર (ગુંતલી)

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

Back to top button
error: Content is protected !!