KUTCHMUNDRA

નખત્રાણા-ભુજ રૂટ પર એસટી બસોમાં બેઠકોની સમસ્યાથી મુસાફરોમાં પ્રચંડ રોષ: વધારાની બસો મૂકવા માંગ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

નખત્રાણા-ભુજ રૂટ પર એસટી બસોમાં બેઠકોની સમસ્યાથી મુસાફરોમાં પ્રચંડ રોષ: વધારાની બસો મૂકવા માંગ

નખત્રાણા, તા. 18:

નખત્રાણા થી ભુજ વચ્ચે દૈનિક મુસાફરી કરતા મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એસટી બસ સેવા હાલ આશીર્વાદને બદલે મુસીબત સમાન બની રહી છે. એસટી નિગમ દ્વારા ‘સલામત સવારી’ના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં મુસાફરોને ટિકિટ કે પાસ હોવા છતાં બેસવાની જગ્યા ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ભારે ભીડ અને અપૂરતી સુવિધા:

નખત્રાણા થી ભુજ વચ્ચેનું આશરે 49 કિમીનું અંતર રોજિંદા હજારો મુસાફરો કાપે છે. ખાસ કરીને સવારના પીક અવર્સમાં નખત્રાણા ડેપોથી ઉપડતી બસોમાં મુસાફરોની સંખ્યા એટલી વધારે હોય છે કે પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. વિદ્યાર્થીઓ જેમને એડવાન્સમાં પાસ કઢાવ્યા છે અને સામાન્ય મુસાફરો જે પૂરી ટિકિટ લે છે, તેઓને કલાકો સુધી ઊભા રહીને જોખમી મુસાફરી કરવી પડે છે.

ખાનગી ટ્રાવેલ્સનો આશરો લેવા મજબૂર:

ગુજરાત સરકાર દ્વારા નવી બસો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં 2026માં પણ નખત્રાણા-ભુજ જેવા મહત્વના રૂટ પર પરિવહન વ્યવસ્થા ખોરવાયેલી જોવા મળે છે. એસટી બસોમાં બેઠક ન મળતી હોવાના કારણે કંટાળીને અનેક મુસાફરો હવે મોંઘા ભાડા ચૂકવીને ખાનગી ટ્રાવેલ્સ તરફ વળી રહ્યા છે, જેના કારણે મધ્યમ વર્ગ પર આર્થિક ભારણ વધી રહ્યું છે.

મુસાફરો અને વિદ્યાર્થીઓની ઉગ્ર માંગ:

આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને સ્થાનિક રહીશો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા તંત્ર પાસે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:

 * નખત્રાણા-ભુજ રૂટ પર તાત્કાલિક અસરથી “વધારાની નવી બસો” ફાળવવામાં આવે.

 * સવાર અને સાંજના પીક સમય દરમિયાન “સ્પેશિયલ એક્સ્ટ્રા બસો” દોડાવવામાં આવે.

 * વિદ્યાર્થીઓને પ્રાથમિકતાના ધોરણે બેઠક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

જો આગામી દિવસોમાં એસટી તંત્ર દ્વારા આ બાબતે સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો મુસાફરો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અહેવાલ: જગદીશ દવે – દેશલપર (ગુંતલી)

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

Back to top button
error: Content is protected !!