AHAVADANG

દારૂબંધીવાળા ગુજરાતનાં ડાંગ જિલ્લામાં “ડ્રાય ડે”નું જાહેરનામું – તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણી-૨૦૨૬ના પડઘમ વાગી રહ્યા છે.ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની દુહાન દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર, મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે સમગ્ર જિલ્લામાં “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે.જોકે, સંપૂર્ણ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં આ પ્રકારે “ડ્રાય ડે”નું જાહેરનામું બહાર પડતા જ અનેક ચર્ચાઓ અને સવાલોએ જોર પકડ્યું છે.જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુંબઈ પ્રોહીબીશન અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨(૧) હેઠળ મળેલી સત્તાની રૂએ આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જાહેરનામા મુજબ મતદાન પૂર્વે તા.૨૪/૦૪/૨૦૨૬ ના સાંજના ૬-૦૦ કલાકથી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના સાંજના ૬-૦૦ કલાક સુધી (૪૮ કલાક) દારૂ વેચાણ અને પીરસવા પર પ્રતિબંધ રહેશે. જો તા. ૨૭/૦૪/૨૦૨૬ ના રોજ પુનઃ મતદાન યોજાય, તો તે દિવસને પણ આ પ્રતિબંધમાં આવરી લેવાશે. તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી “ડ્રાય ડે” અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી અમલમાં હોવા છતાં, ચૂંટણી ટાણે ખાસ “ડ્રાય ડે” જાહેર કરવાની જરૂરિયાત કેમ પડી તે વાત લોકોમાં આશ્ચર્ય જન્માવી રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે શું આ જાહેરનામું રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણનો પરોક્ષ સ્વીકાર છે? જો રાજ્યમાં દારૂબંધી કડક જ હોય, તો માત્ર ચૂંટણીના ૪૮ કલાક પૂરતી જ કડકાઈ કેમ દાખવવામાં આવે છે?આ નિર્ણય બાદ ડાંગના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્રની આ કામગીરી માત્ર એક ઔપચારિકતા છે કે પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ? કાગળ પર દારૂબંધી હોવા છતાં જો “ડ્રાય ડે” જાહેર કરવો પડતો હોય, તો તેનો અર્થ એ થાય છે કે ગેરકાયદેસર દારૂના વેપાર પર તંત્રનું જોઈએ તેવું નિયંત્રણ નથી. ચૂંટણી સમયે જ દેખાતી આ કડકાઈ શું સામાન્ય દિવસોમાં કેમ જોવા મળતી નથી?હાલ તો આ જાહેરનામાની અમલવારી માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉપરના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. પરંતુ, જનતામાં ઉઠેલા આ ગંભીર સવાલોનો જવાબ આપવા માટે તંત્ર પાસે કોઈ સ્પષ્ટતા છે કે કેમ તે જોવું રહ્યું. શું આ માત્ર ચૂંટણી પૂરતી શિસ્ત છે કે પછી દારૂબંધીના અમલીકરણમાં રહેલી મોટી ખામી છે તે તો પ્રશ્ન જ રહ્યો..

Back to top button
error: Content is protected !!