
લોકશાહીનો પર્વ: રાજપારડીમાં વિદ્યાર્થીઓએ ગજવ્યા ‘મતદાન જાગૃતિ’ના નારા.







રાજપારડી શાળાના બાળકો દ્વારા ભવ્ય રેલીનું આયોજન શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળી ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવ્યું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામમાં આજે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે એક વિશેષ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુ સાથે શાળાના નાના બાળકો અને શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઝઘડીયાના રાજપારડી ખાતે આજે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને સમગ્ર ગામમાં ભ્રમણ કર્યું હતું. “મારો મત, મારો અધિકાર” અને “ચૂંટણીમાં મતદાન કરવા જઈએ, દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ” જેવા સૂત્રોચ્ચારથી રાજપારડીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ રેલીમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ જોડાયો હતો.
ગ્રામ્ય સ્તરે લોકોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવી અને ૧૦૦% મતદાન થાય તે માટે જનજાગૃતિ લાવવી. વિદ્યાર્થીઓએ ગાયબ રહેવાને બદલે મતદાનના દિવસે અચૂક મતદાન મથક પર પહોંચવા લોકોને અપીલ કરી હતી.”અમે આ રેલી દ્વારા એ સંદેશ આપવા માંગીએ છીએ કે દરેક મત કિંમતી છે. જો વડીલો જાગૃત થશે, તો જ દેશનું ભવિષ્ય સુરક્ષિત બનશે.”ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીએ રાજપારડીના રહીશોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ નાનકડા ભૂલકાઓના પ્રયાસો આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવામાં કેટલા કારગત નીવડે છે તે તો જોવું રહ્યું.
ઈરફાન ખત્રી
રાજપારડી




