
વાત્સલ્યમ. સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણા ખાતે કલાપ્રતિષ્ઠાન દ્વારા 17મી રાષ્ટ્રીય કલાશિબિર અંતર્ગત ચાર દિવસીય “સપ્તરંગી કલા મહોત્સવ” ભવ્ય રીતે યોજાયો હતો. 16 એપ્રિલથી 19 એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના ચિત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કલાગુરુ જશુભાઈ નાયકની પ્રેરણાથી છેલ્લા 20 વર્ષથી કાર્યરત કલાપ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આ શિબિરનું ઉદ્ઘાટન ઉપાધ્યક્ષ યોગેશભાઈ નાયક અને બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીના હસ્તે કરવામાં આવ્યું હતું. યોગેશભાઈ નાયકે સંસ્થાની કાર્યપ્રણાલી અને કલાગુરુની વિચારધારાનો ઉલ્લેખ કરીને કલાકારોને પ્રેરિત કર્યા હતા.
આ શિબિર દરમિયાન વાસુર્ણાની આસપાસના આદિવાસી વિસ્તારોમાં કલાકારો દ્વારા કુદરતના ખોળે બેસીને કુલ 362 જેટલી કલાકૃતિઓ સર્જાઈ હતી. પૂજ્ય હેતલ દીદીએ દરરોજ યોગ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપીને કલાકારોને સર્જનશક્તિ સાથે જીવનમૂલ્યોનું પણ માર્ગદર્શન આપ્યું હતું.
સવારે શરૂ થતી કાર્યશાળા સાંજ સુધી ચાલતી હતી, જેમાં કલાકારો તાપમાનની પરવા કર્યા વિના સતત સર્જનમાં તલ્લીન રહ્યા હતા. સાંજે યોગમંડપમાં તૈયાર થયેલી કૃતિઓનું પ્રદર્શન યોજાતું હતું, જ્યાં કલાકારો એકબીજા સાથે વિચારવિમર્શ કરીને નવી દિશાઓ શોધતા હતા.
શિબિરના અંતે ભવ્ય કલા પ્રદર્શન યોજાયું હતું, જેમાં વૈદેહી સંસ્કૃતિધામની સાધ્વી યશોદાદીદી તથા પૂજ્ય સત્યવાન ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કલાકૃતિઓનું નિરીક્ષણ કરીને કલાકારોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ગુરુજીએ ત્રિદલ જ્ઞાન, કર્મ અને ભક્તિના પ્રતિકરૂપે આ કૃતિઓ ભગવાન શિવને અર્પણ કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કલાકારોને સંસ્થાની 20 વર્ષની યાત્રા અને કાર્યપ્રણાલી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ આગામી સમયમાં સુરત ખાતે આ કલા પ્રદર્શન યોજવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. પ્રદર્શનમાંથી મળતી આવકમાંથી 50 ટકા રકમ તેજસ્વીની સંસ્કૃતિધામમાં નિર્માણાધીન કન્યા છાત્રાલય માટે અર્પણ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન અજીત ભંડેરી, સી.ટી. પ્રજાપતિ અને નટુ ટંડેલે સંભાળ્યું હતું, જ્યારે વ્યવસ્થાપનમાં નરેન્દ્ર ગોહેલ, દિપક મહેતા, ચંદ્રકાંત પ્રજાપતિ, સુધા ધેવરીયા અને ભાવેશ પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર આયોજન તેજસ્વીની સંસ્કૃતિધામના સેવક ધનસુખભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.





